વલસાડના ફાણસવાળામાં મંજૂરી વગર બાવડના ઝાડ કપાયા:ગ્રામજનોમાં રોષ, ઇન્ચાર્જ સરપંચ પર ગેરવહીવટનો આક્ષેપ
વલસાડના ફાણસવાળામાં મંજૂરી વગર બાવડના ઝાડ કપાયા:ગ્રામજનોમાં રોષ, ઇન્ચાર્જ સરપંચ પર ગેરવહીવટનો આક્ષેપ
Published on: 17th February, 2026

વલસાડ તાલુકાના ફાણસવાળા ગામમાં સરકારી પડતર જમીન પરના બાવળના વૃક્ષો પંચાયતની મંજૂરી વગર કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને જાગૃત નાગરિકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડ કાપવાની કામગીરી અટકાવી દીધી હતી. સ્થાનિક પંચાયત સભ્ય કાંતિલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાઈસ્કૂલના મેદાન પાસેની સરકારી જમીન પરના ઝાડ કાપવા અંગે પંચાયતમાં કોઈ સત્તાવાર ઠરાવ થયો નથી. વન વિભાગ કે અન્ય સત્તાધિકારીઓની પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી ન હોવાનું નોંધાયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ઇન્ચાર્જ મહિલા સરપંચ અને તેમના મળતિયાઓ દ્વારા લાકડાનો ગેરવહીવટ કરવામાં આવ્યો છે. જાગૃત નાગરિક દિનેશભાઈ પટેલે જણાવ્યું કે, ઝાડ કોણે કપાવ્યા અને લાકડું કોને આપવામાં આવ્યું તેની કોઈ સ્પષ્ટતા નથી, અને આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની આશંકા છે. આ મામલે એક ચોંકાવનારો આક્ષેપ એ પણ સામે આવ્યો છે કે અનામત બેઠક પર ચૂંટાયેલી આદિવાસી મહિલા સરપંચ પાસેથી દબાણપૂર્વક રાજીનામું લેવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્ચાર્જ સરપંચ મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમે ઇન્ચાર્જ સરપંચનો સંપર્ક કરતા તેમના પતિએ દાવો કર્યો હતો કે ફાણસવાળા હાઈસ્કૂલમાં બોર્ડ પરીક્ષાને કારણે શિક્ષણ વિભાગે ઝાડ કાપવા સૂચના આપી હતી અને શાળાએ અરજી પણ કરી હતી. જોકે, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રાજેશ્રીબેન ટંડેલે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષણ વિભાગ દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. તેમણે ઉમેર્યું કે શાળાના કમ્પાઉન્ડ બહાર આવેલી સરકારી જમીન પર ઝાડ કાપવા માટે વિભાગ દ્વારા કોઈ સૂચના અપાઈ નથી. ગ્રામજનોએ ટીડીઓ અને ડીડીઓ કક્ષાએ આ મામલે તટસ્થ અને ન્યાયિક તપાસની માંગ કરી છે. હવે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર આ ગેરકાયદેસર વૃક્ષ કપાત મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.