પરખ:તમે મેદસ્વી છો? તો જાણો આ 7 ડાયેટ પ્લાન
જયસ્વી પટેલ આજે મેદસ્વી લોકોને જલદી પાતળા થઈ જવા વજન ઉતારવાનું ઘેલું લાગ્યું છે. જેથી મોટાભાગના લોકો ડાયેટ પ્લાન અજમાવી રહ્યા છે. તો જાણો 11 જેટલાં ડાયેટ પ્લાનને... 1 કિટો ડાયેટ કિટો કે કિટોજનિક ડાયેટ લો-કાર્બ અને હાઈ ફેટ ડાયેટ છે. જેમાં કાર્બોહાઈડ્રેટ્સને બદલે ફેટવાળા પદાર્થો ખાવાના હોય છે. કાર્બ્સ લેવાનું બંધ કરો એટલે તમારું શરીર કેટોસિસ તરીકે ઓળખાતા સ્ટેજમાં જતું રહે છે. એવું મનાય છે કે, શરીર કેટોસિસમાં જાય પછી ફેટ ફટાફટ બળવા માંડે છે અને વજન ઘટવા માંડે છે. આપણા શરીરને સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટમાંથી ઉર્જા મળતી હોય છે. કિટો શરુ કરો એટલે તમારે ઘઉં, ચોખા, મકાઈ વગેરે જેવાં ધાન ખાવાના બંધ કરવા પડે છે. આ ઉપરાંત ખાંડનું સેવન સાવ ઘટાડી દેવું પડે છે. વળી, કિટોમાં સફરજન, સંતરા, કેળા કે કંદમૂળ ખાવાની પણ મનાઈ હોય છે. કિટો ડાયેટમાં 60-75 ટકા કેલેરી ફેટમાંથી, 15-30 ટકા કેલેરી પ્રોટીનમાંથી અને બાકીની 5-10 ટકા કેલેરી કાર્બોહાઈડ્રેટ્સમાંથી મેળવવાની હોય છે. કિટો ડાયેટ કરનારા લોકોનું વજન ફટાફટ ઘટે છે. કિટો ડાયેટની સાઈડ ઈફેક્ટ પણ છે. શરીર કિટોમાં કાર્બોહાઈડ્ર્ટ્સ મળતાં બંધ થઈ જવાને કારણે પહેલા ત્રણ-ચાર દિવસ સ્ટોર થયેલા ગ્લુકોઝમાંથી શરીર ગુજરાન ચલાવે છે પછી શરીર કિટોસિસ મોડમાં આવી જતાં ફેટ બર્ન થવા માંડે છે. પરિણામે ઊલટી, માથું દુખવું, ઉબકા આવવા, પગમાં ખાલી ચઢવી કે ડાયેરિયા વગેરે લક્ષણો જોવા મળે છે. 2 થ્રી અવર ડાયેટ આ પ્રકારના ડાયેટમાં દર ત્રણ કલાકે થોડા પ્રમાણમાં ખાવાનું હોય છે. જો કે, તેની પાછળની થિયરી એ છે કે, તમારા મેટાબોલિઝમ કે ચયાપચયને તે ઊંચા દરે ચાલતું રાખે અને ચરબી બળતી રહે. પરંતુ આમાં કોઈ ચીજ-વસ્તુ નહીં ખાવાની એવો કોઈ પ્રતિબંધ નથી. આમાં તમે દર ત્રણ કલાકે કોઇપણ વસ્તુ કે ચોકલેટ ખાઈ શકો છો. આ ડાયેટ પ્લાન એ માન્યતા પર વિકસાવવામાં આવ્યો છે કે, તમે ત્રણ કલાકથી વધારે સમય સુધી ખોરાક ન લો તો તમારું શરીર તરત જ સ્ટાર મોશન મોડમાં જતું રહે છે અને પછી તે પોતાની જાત માટે ગ્લુકોઝ મેળવવા મસલ્સને બાળે છે અને ચરબી ભેગી કરે છે. આ સિદ્ધાંત સાચો છે પરંતુ કાંઈપણ ખાવાની છૂટ મળે એટલે આપણે ન ખાવા જેવું પણ ઘણું બધું ખાઈ લઈએ છીએ. 3 સાઉથ બીચ ડાયેટ સાઉથ બીચ ડાયેટ, હ્રદય રોગનું જોખમ ઘટાડવાના મુખ્ય ઉદ્દેશ સાથે વિકસાવેલો આ ડાયેટ ફ્લોરિડાના એક ડોક્ટર અને ડાયેટિશિયને વિકસાવ્યો હતો. આ ડાયેટમાં ખરાબ ચરબીની જગાએ સારી ચરબી અને ખરાબ કાર્બોહાઈડ્રેટની જગાએ સારો કાર્બોહાઈડ્રેટ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં ખાંડવાળા પદાર્થો અને પ્રોસેસ્ડ કરેલા અનાજની વાનગીઓને બદલે શાકભાજી, કઠોળ, આખું અનાજ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે તેમજ સંતૃપ્ત ચરબીને બદલે ઓમેગા-3 ફેટી એસિડ ધરાવતા પદાર્થો લેવાના હોય છે. 4 ન્યુ બેવરલી હિલ્સ ડાયેટ 1981માં પ્રચલિત બનેલા બેવરલી હિલ ડાયેટનું જ આ નવું સ્વરૂપ હોઈ, ન્યુ બેવરલી હિલ્સ ડાયેટ નામ અપાયું છે. જે ડાયેટનું એવું માનવું છે કે, વજન વધવાનું મુખ્ય કારણ ખોરાક નહીં પણ અપૂર્ણ રીતે પચેલો ખોરાક છે. આ ડાયેટમાં યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવા પર ભાર મુકાયો છે. વળી, એવું પણ માનવામાં આવે છે કે, અમુક જાતના ખોરાકને અમુક જાતના ખોરાક સાથે કદાપી ન લેવો જોઈએ. એટલે કે, કાર્બોહાઈડ્રેટવાળા પદાર્થને બીજા કાર્બોહાઈડ્રોટવાળા પદાર્થ સાથે જ લેવો જોઈએ, પ્રોટીનવાળા પદાર્થને બીજાં પ્રોટીનવાળા પદાર્થ સાથે જ લેવો જોઈએ. વળી, ફળને હંમેશાં એકલાં જ ખાવાં જોઈએ, ફળને દિવસની શરુઆતમાં અને જેટલાં પ્રમાણમાં ભાવે અને ફાવે તેટલાં જ ખાવા જોઈએ. એક ફળ ખાધા પછી એક કલાક પછી બીજાં કે બીજું ફળ ખાઈ શકાય અને તેના બે કલાક પછી કાર્બોહાઈડ્રેટ, ચરબી કે પ્રોટીનવાળા પદાર્થ ખાવા જોઈએ. 5 કેબેજ સૂપ ડાયેટ આ ડાયેટના નામ પ્રમાણે જ કોબીજ અને બીજાં શાકભાજીમાંથી બનાવેલો સૂપ જ દિવસ દરમિયાન વધુમાં વધુ પ્રમાણમાં લોવાનો હોય છે. જે કે, તેની સાથે મર્યદિત પ્રમાણમાં બીજી વસ્તુઓ લઈ શકાય. આ ડાયેટમાં વજન ઘટાડો ખૂબ ઝડપી એટલે કે, અઠવાડિયામાં લગભગ 10 પાઉન્ડ જેટલો થઈ શકે છે. એમાંય જો કોઈ ખાસ પ્રસંગે સારા અને સુંદર દેખાવું હોય ત્યારે કેબેજ સૂપ ડાયેટને વેનિટી ડાયેટ તરીકે મહત્ત્વનો ગણવામાં આવે છે. જો કે, આ પ્રકારના ડાયેટમાં વજન ઘટવાની સાથોસાથ તમારી તંદુરસ્તી જોખમાઈ પણ શકે છે. આ ડાયેટ પોષક તત્ત્વોની દ્રષ્ટિએ તદ્દન અસમતોલ છે. આ ડાયેટ અઠવાડિયા માટે કરવાનો હોવાથી ઘણી અશક્તિ પણ લાગે છે. 6 ગ્રેપ ફ્રૂટ ડાયેટ આ ડાયેટના નામ પ્રમાણે તેનું મુખ્ય કેન્દ્રબિંદુ ગ્રેપફ્રૂટ નામના ફળ પર હોય છે. દિવસ દરમિયાન લેવાતા દરેક ભોજનમાં ગ્રેપફ્રૂટ અને તેનો રસ લેવાનો હોય છે. ખોરાક બનાવવામાં મસાલા, ડ્રેસિંગ કે થોડા પ્રમાણમાં માખણ વાપરી શકાય. આ ડાયેટમાં પ્રોટીનયુક્ત ભોજન અને સ્ટાર્ચયુક્ત ભોજન ચાર કલાકના અંતરે લેવાનાં હોય છે. આ ડાયેટમાં રોજની એક હજાર જેટલી જ કેલેરી લેવાની હોય છે. 7 ગ્લાયસેમિક ઈન્ડેક્સ ડાયેટ ગ્લાયસેમિક ઈન્ડેક્સ (જી. આઈ.) એ ખાદ્યપદાર્થનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન છે, જે દર્શાવે છે કે, તે પદાર્થ ખાધા પછી કેટલી ઝડપથી લોહીમાં ખાંડનું પ્રમાણ વધે છે. આ જાણકારી ખરેખર તો ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જરુરી છે. હાઇ જી.આઈ. ખાદ્યપદાર્થો લોહીમાંથી ઘણી ઝડપથી અને વધારે પ્રમાણમાં ખાંડ છૂટી પાડે છે, જેને કારણે ચરબીનો ભરાવો થવાની શક્યતા વધારે રહે છે અને ભૂખ વધવાની શક્યતા પણ વધી જાય છે, પરિણામે વજન વધે છે. આ પ્રકારમા હાઈ.જી. આઈ. ફૂડ ઓછાં લેવાથી ભૂખ ઘટે છે અને ધીમે-ધીમે વજન પણ ઘટે છે. નોંધ-એક લેખક તરીકે ચોક્કસ કોઈ ડાયેટ કરવાની સલાહ આપતી નથી, ફક્ત જાણકારી આપી છે. જે ડાયેટ તમારા જીવનમાં સહેલાઈથી વણાઈ જાય તે જ ડાયેટ પ્લાનનો અમલ અને તે પણ આપના જાણીતા ડોક્ટર કે ડાયેટિશિયનના સલાહ-સૂચન મુજબ જ કરવો જોઈએ.