તામિયા: ભારતનું ઓછું જાણીતું હિલ સ્ટેશન
તામિયા: ભારતનું ઓછું જાણીતું હિલ સ્ટેશન
Published on: 15th June, 2025

મધ્ય પ્રદેશનું નામ પડે અને તેમાં પણ કોઈ હિલ સ્ટેશનની વાત નીકળે એટલે આપણા દરેકના મગજમાં એક જ સ્થળનું નામ આવે જે છે પંચમઢી. મધ્ય પ્રદેશનું સ્વિત્ઝર્લેન્ડ ગણાતું પંચમઢી ભારત સહિત દુનિયાભરના હજારો મુલાકાતીઓને આકર્ષે છે. જોકે, તેના સિવાય પણ મધ્ય પ્રદેશમાં હિલ સ્ટેશન આવેલું છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. મધ્ય પ્રદેશની સાતપુડા પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન એટલે તામિયા, જેનું કદાચ ઘણા લોકોએ નામ પણ નહીં સાંભળ્યું હોય. તામિયા આમ ભલે પંચમઢી જેટલું પ્રસિદ્ધ ન હોય, પણ આ સ્થળે કુદરતી સૌંદર્યની ભરમાર છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલું તામિયા સમુદ્ર સપાટીથી 3,765 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. આ જગ્યા તેના કુદરતી સૌંદર્યની સાથે વન્યજીવન અને આદિજાતિ સમુદાયના લીધે પણ પ્રસિદ્ધ છે. અહીંના આદિવાસીઓ આજે પણ તેમની પારંપરિક જીવનશૈલીમાં જીવે છે અને તેઓ તેમની ચિકિત્સક આવડત માટે જાણીતા છે.