ખુદ યુદ્ધ લડતાં પુતિને ટ્રમ્પને ઘુમાવ્યો ફોન, ઈઝરાયલ-ઇરાન વચ્ચેનું યુદ્ધ રોકવા કરી અપીલ
Published on: 15th June, 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ફોન પર વાતચીત કરીને એ વાત પર સંમતિ વ્યક્ત કરી કે, આ યુદ્ધ હવે સમાપ્ત થવું જોઈએ. ટ્રમ્પે આ જાણકારી શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર શેર કરી અને જણાવ્યું કે, 'પુતિને મને જન્મદિવસની શુભકામના આપવાની સાથો સાથ ઈરાન-ઈઝરાયલ સંકટ પર લાંબી વાતચીત કરી. પુતિને મને ફોન કર્યો, મને શુભ કામના પાઠવી. પરંતુ, ત્યારબાદ વધુ મહત્ત્વપૂર્ણ વાત હતી કે, અમે બંને આ વાત પર સંમત થયા કે, યુદ્ધ ખતમ થવું જોઈએ.' જણાવી દઈએ કે, રશિયાના પ્રમુખ ખુદ આશરે ત્રણ વર્ષોથી યુદ્ધ લડી રહ્યા છે. ભારત અને અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ તેમના યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે.