મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો.
શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત...