વિશ્વ જળ દિન
22nd March

જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. "જળ છે તો જીવન છે" એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે જીવાદોરી છે. પાણી વગર કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં. પૃથ્વી પર જીવ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જળની અનિવાર્યતા અનિયંત્રિતા અને તેનું મહત્વ સમજાવવા વિશ્વમાં 22 માર્ચ ના દિવસે વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિન ઉજવવાનો મુખ્ય ઊદ્દેશ વિશ્વના લોકોને પાણીનું મહત્વ સમજાવવાનો તેમજ સમગ્ર પૃથ્વી ઉપર તોળાઈ રહેલા જળસંકટ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

વર્ષ 1992 માં બ્રાઝિલના રિયો ડી જાનેરો માં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી, આ દિવસે વિશ્વ જળ દિનનો વિચાર આવ્યો હતો. 1993 ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ, 22 માર્ચ ના દિવસને વિશ્વ જળ દિન ઘોષિત કરેલો છે. 'વિશ્વ જળ દિવસ' (World Water Day) દર વર્ષે 1993 થી ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પાણીના મૂલ્યને લોકો સમજે અને પાણીની બચત કરે તેવો છે.

વરસાદ એ જળનો મુખ્ય સ્રોત છે. નદી, તળાવ, સરોવર, કૂવા, મહાસાગર વગેરે પણ અન્ય જળસ્રોતો છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે, પણ પૃથ્વી પર રહેલા કુલ પાણીના જથ્થામાંથી આશરે 97% પાણી ખારું છે, પીવા યોગ્ય નથી. માત્ર 3% જેટલું પાણી જ પીવા યોગ્ય છે, જેમાંથી આશરે 2% પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલા ભેજ સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલું છે એટલે ખરેખર જોઈએ તો આશરે 1% પાણી જ ઉપયોગમાં આવે એવું છે. આથી દરેક વ્યક્તિએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને પાણીનો બચાવ કરવો જોઈએ. એક સમય હતો જ્યારે જગ્યાએ  જગ્યાએ નદી, તળાવ, નહેર, કૂવા દેખાતા હતા, પરંતુ ઉદ્યોગીકરણની રાહ પર ચાલી રહેલી દુનિયાએ આ દ્રશ્યને ઘણા અંશે બદલી દીધું છે. તળાવ, કૂવા, નહેર વગેરે સુકાતાં જાય છે. નદીનું પાણી પ્રદૂષિત થવાની સાથે સાથે ઓછું થઈ રહ્યું છે, જળસંકટ વધતું જાય છે. ધરતી પરના જળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પૃથ્વી પર ભૂગર્ભ જળનું સ્તર પણ સતત ઘટી રહ્યું છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તેને કારણે જળની અછત સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબજ જરૂરી છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈપણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવંત છે તો તે જળસંસાધનને કારણે જ, તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. દુનિયામાં જે જળસંસાધનો ઉપલબ્ધ છે એની જાળવણી કરવા સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશો પોતપોતાને ત્યાં નક્કર પગલાં લે અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની ભલામણોનો અમલ કરીને વિશ્વ જળ દિન માટે સમર્પિત બને તેવો હેતુ છે.

કહેવાય છે કે, ‘ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે' આ ઉક્તિ આમ સાચી પણ લાગે છે. જે રીતે સમગ્ર પૃથ્વી પર પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુદ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ વગેરે જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે. સાંપ્રત સમયમાં પીવાલાયક પાણીની યોગ્ય માવજત, તેનો બચાવ, તેને પ્રદૂષણમુક્ત રાખવું અને જમીનમાં ઘટતા જતા જળસ્તરને બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. વરસાદના વહી જતા પાણીને આપણા દરેકના ઘરની જગ્યાએ ઉપલબ્ધ જમીન મુજબ જરૂરી ભૂગર્ભ ટાંકાઓ બનાવવાં, વનવિભાગ તરફથી વિનામૂલ્યે અપાતા વૃક્ષોના રોપાનું વાવેતર કરવું, વૃક્ષોનું  બિનજરૂરી નિકંદન ન કરતાં તેને નિભાવવા વગેરે બાબતો પ્રત્યે લોકો જાગૃત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ.