વિશ્વ રંગમંચ દિન
27th March

દર વર્ષે 27મી માર્ચ ના રોજ ‘વિશ્વ રંગમંચ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં રંગમંચને પોતાની અલગ ઓળખ અપાવવા માટે આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય જૂન, 1961 માં યોજાયેલી રંગભૂમિની આંતરરાષ્ટ્રીય પરિષદમાં લેવામાં આવ્યો હતો.

રંગમંચ એટલે જ્યાં કલાની પ્રસ્તુતિ કરવામાં આવે તે મંચ (ભૂમિ). તે સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની અગ્રણી રીતો પૈકીની એક છે. રંગમંચ દ્વારા જ એક નાનો કલાકાર વિશ્વસ્તર પર અભિનય આપતો બને છે. પ્રત્યેક કલાકારના ઘડતરમાં રંગમંચનો ખૂબ મહત્વનો અને પાયાનો ભાગ હોય છે. રંગમંચ એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ એથી પણ વિશેષ તે સમાજશિક્ષણ એટલે કે લોકશિક્ષણનું કાર્ય કરી સંસ્કાર ઘડતરનું કાર્ય પણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો રંગમંચ એ પ્રજાના સંસ્કાર ઘડનારી યુનિવર્સિટી છે. રંગમંચ એ એવું સફળ અને મજબૂત માધ્યમ છે કે તે સીધું લોકોના માનસપટ પર અસરકારક રીતે કોઈ પણ સંદેશાને પહોંચાડતું હોય છે. સમાજ સુધારાની સાથે સામાજિક ચળવળો માટે પણ રંગમંચ ખૂબજ મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. રંગલો અને રંગલી જેવાં યાદગાર પાત્રો પણ આપણી વચ્ચે રંગમંચના માધ્યમ દ્વારા જ પહોંચ્યાં છે.

કલાના શાશ્વત સ્વરૂપ તરીકે રંગમંચ માનવજીવનના પ્રસંગોને નિરૂપે છે. રંગમંચ નાટકથી લઈને આધુનિક વાર્તા કહેવા સુધી, સ્વાગતથી લઈને સંગીત સુધી, ખુલ્લાં મેદાનોમાં થતા પ્રદર્શનથી લઈ બંધ ઑડિટોરિયમ સુધીની સફર દરમિયાન વિકસિત થયું છે. રંગમંચ માટે કહેવાય છે કે ‘જાણ્યું એટલું ઝાઝું અને માણી એટલી મોજ.' આથી રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો-નાટ્યકર્મીઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા અને નાટ્ય પરંપરાને જાળવી રાખવા માટે આ દિવસ  ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વના સમાજ અને લોકોને રંગભૂમિની સંસ્કૃતિ વિશે માહિતી આપવી નાટ્ય સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં રસ પેદા કરવો અને તેની સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવું વિશ્વભરમાં રંગમંચનો પ્રચાર કરવો, લોકોને રંગમંચની જરૂરિયાતો અને મહત્વ વિશે વાકેફ કરવા, રંગભૂમિનો આનંદ માણવો અને અન્ય લોકો સાથે આ આનંદ વહેંચવો વગેરે જેવા ઉદ્દેશો સાથે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર રંગમંચ સાથે જોડાયેલા કલાકારો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. ભારત સહિત દુનિયાભરમાં ઘણાં સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુત કરવામાં આવે છે. આ દિવસે વિશ્વને આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે, જેને માટે દર વર્ષે રંગભૂમિના પ્રખ્યાત કલાકારોમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે છે. વિશ્વ રંગમંચ દિવસનો પ્રથમ સંદેશ 1962 માં જીન કોક્યુટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે એકજ થીમ ‘થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ' પર ઉજવવામાં આવે છે.