વિશ્વ બચત દિન
30th October
વિશ્વ બચત દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. પહેલાં ભારતમાં પણ આ દિવસ 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ 1984 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના નિધન બાદ તેને 30મી ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે.

'ટીપે ટીપે સરોવર ભરાય' અને Savings prepare you for better future એ ઉક્તિ બચતનું મહત્ત્વ બતાવે છે. કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વએ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કર્યો. જેની માઠી અસરો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી ત્યારે એ હકીકત સર્વસ્વીકૃત બની કે બચત એ વૈશ્વિક અર્થતંત્રની આવશ્યકતા છે.

‘વિશ્વ બચત દિન' બચતના મહત્ત્વને પ્રસ્થાપિત કરવા તથા બેંકોમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા ઉજવવામાં આવે છે. 1924 માં ઇટાલી ના મિલાન શહેરમાં આંતરરાષ્ટ્રીય બચત બેંક નું પ્રથમ સંમેલન યોજાયું. આ સંમેલનના પ્રસ્તાવ મુજબ 31 ઑક્ટોબર ને વિશ્વ બચત દિન તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બચત દિન લોકપ્રિય બન્યો અને હાલ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.

આ દિવસનું આયોજન કરનારી બેંકો એવા દેશો પર ખાસ ધ્યાન આપી રહી છે જ્યાં અનેક લોકો આજે પણ બૅન્કિંગ સેવાઓથી વંચિત છે. આ દેશોમાં આવી બચતબેંકોની વિવિધ શાખાઓ સરકારી અને બિન સરકારી સંગઠનો સાથે મળીને ખાસ પ્રકારના કાર્યક્રમો યોજી બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આપણે પણ બાળકોમાાં રહેલી બચતવૃત્તિને પ્રોત્સાહન આપવા તથા તેનું મહત્ત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરી શકીએ.