વિશ્વ રેડ ક્રોસ દિન
08th May
વિશ્વ રેડ ક્રોસ દિન
માનવ માનવ વચ્ચેના સંબંધોમાં માનવતા લાવવી, ઉપરાંત જાતિ, ધર્મ, રંગ કે રાષ્ટ્રીય વિચારસરણીથી ઉપર ઊઠીને આપત્તિઓમાં પ્રતિક્રિયાઓ આપવી અને તાત્કાલિક મદદ કરવી, માનવમૂલ્યોના સિદ્ધાંતોને સમર્થન આપી આરોગ્ય સેવા માટે હંમેશાં તૈયાર રહેવાનાં કાર્યોને વધુ વેગ આપવા અને જનજાગૃતિ અર્થે દર વર્ષે 8 મે ના રોજ 'વિશ્વ રેડ ક્રોસ દિન' ઊજવવામાં આવે છે. જે 'રેડ ક્રેસન્ટ' તરીકે પણ ઓળખાય છે.

8 મે, 1864 ના રોજ હેનરી યુનેટ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાન માનવતાવાદી વ્યક્તિનો જન્મ પણ 8 મેના રોજ થયો હતો. તેથી તેમને સ્મરણાંજલિ આપવા 8 મે ના રોજ સમગ્ર વિશ્વમાં 'રેડ ક્રોસ ડે' ઊજવવામાં આવે છે. તેઓ રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિના સ્થાપક તેમજ પ્રથમ નૉબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મહાનુભાવ હતા.

શાંતિને વરેલી 'આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થા' યુદ્ધના ઘર્ષણભર્યા સમયમાં જન્મ લીધો હતો. યુદ્ધ સમયે ખુવાર થઈ ગયેલા અને જાનમાલના નુકસાનનો ભોગ બનેલા લોકોને માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા મદદ કરવાનો ખ્યાલ ઉદ્દભવ્યો અને સમય જતાં રેડ ક્રોસ સંસ્થાનો ઉદય થયો. આ દિવસે સ્વયંસેવક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશાંની માફક તૈયાર રહે છે, તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવે છે. પ્રથમ વિશ્વ રેડ ક્રોસ દિન 8 મે, 1948 ના રોજ ઊજવવામાં આવ્યો હતો. બ્રિટન, ફ્રાંસ, ઈટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ આ પાંચ સંસ્થાપક દેશ દ્વારા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રૉસની સ્થાપના કરવામાં આવી. અત્યારે આશરે 190 દેશો રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાયેલા છે. રેડ ક્રોસ સોસાયટીનું મુખ્ય મથક જિનીવા - સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે.

ભારતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના 1920 માં કરવામાં આવી હતી. હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ રેડક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય છે. ગુજરાતમાં 26 ફેબ્રુઆરી, 1961 માં રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ હતી અને 7 એપ્રિલ, 1961 ના રોજ તેને માન્યતા પ્રાપ્ત થઈ હતી. રાજ્યસ્તરે રાજ્યપાલ આ સંસ્થાના અધ્યક્ષપદે હોય છે.

કુદરતી કે માનવસર્જિત આફતો સમયે લોકોને તાત્કાલિક સારવારમાં મદદ તથા સહાનુભૂતિ સાથે સહાયતા કરવી તેવો ઉદ્દેશ રેડ ક્રોસ સંસ્થાનો છે. આકસ્મિક સમયમાં લોહીની જરૂરિયાત પૂરી પાડવામાં રેડ ક્રોસ સંસ્થા અગ્રેસર છે. રેડ ક્રોસ સંસ્થાના મુખ્ય 7 સિદ્ધાંતો છે. જેમાં...

1. માનવતા,
2. નિષ્પક્ષતા,
3. તટસ્થતા,
4. સ્વતંત્રતા,
5. સ્વૈચ્છિક સેવા,
6. એકતા અને
7. વૈશ્વિકતાનો સમાવેશ થાય છે.
 
આપણે પણ વિશ્વ રેડ ક્રોસ દિન નિમિત્તે સમાજ અને માનવતાના ભલા માટે કામ કરવાનો સંકલ્પ કરીએ.