વિશ્વ ઓઝોન દિન
16th September
વિશ્વ ઓઝોન દિન
16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્યાવરણીય ઈતિહાસમાં નવો વળાંક આવ્યો. એ દિવસની યાદગીરી સ્વરૂપે 1994 માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય મહાસભામાં 16 સપ્ટેમ્બર ને 'વિશ્વ ઓઝોન દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ઓઝોન સ્તરની જાળવણીના મહત્વને સમજતા વિશ્વના વિવિધ દેશોએ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારાં ઘટકોનો ઉપયોગ બંધ કરવો અને તેના સ્થાને નુકસાનકારક ન હોય તેવા પદાર્થોનો ઉપયોગ વધારવો તેવું નક્કી કર્યું.

આપણી પૃથ્વીની ફરતે આવેલા વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોન એ અન્ય વાયુઓની જેમ પૃથ્વીની ફરતે આવેલો કુદરતી વાયુ છે, જે ઓક્સિજનના 3 પરમાણુ જોડાઈને બને છે. જેવી રીતે અસહ્ય તાપ અને વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટિને બચાવવા માટે ઓઝોન વાયુનું સ્તર છત્રી જેવું કાર્ય કરે છે. તે સૂર્યમાંથી નીકળતાં 90% પારજાંબલી કિરણોનું શોષણ કરી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સમગ્ર જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે વિવિધ માનવીય પ્રવૃત્તિઓ જેવી કે વાહનો અને ઉદ્યોગોનો ધુમાડો, રેફ્રિજરેટર અને ACના બેફામ ઉપયોગના કારણે પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યું છે. દક્ષિણ ધ્રુવ તેમજ ઉત્તર ધ્રુવના વિસ્તારમાં ઓઝોન સ્તરરૂપી રક્ષાકવચ તૂટી રહ્યું છે. પ્રદૂષણને લીધે નીકળતા હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓ - જેવા કે કાર્બનડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઈડ ઉપરાંત રેફ્રિજરેટર તથા ACમાંથી ઉત્પન્ન થતા ક્લોરોફ્લોરો કાર્બન (CFC) જેવાં રસાયણો ઓઝોન સ્તર માટે નુકસાનકારક છે. જેના કારણે ઓઝોન સ્તર તૂટી રહ્યું છે, તેમાં ગાબડાં પડી રહ્યાં છે. પરિણામે સૂર્યનાં પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે. આ કિરણોના કારણે મનુષ્યને ચામડીનું કેન્સર, મોતિયો જેવા રોગો થાય છે, વનસ્પતિને નુકસાન થાય છે તથા દરિયાઈ જીવસૃષ્ટિ પણ જોખમમાં મૂકાય છે.

કહેવાય છે કે પ્રકૃતિની વ્યવસ્થામાં મનુષ્યોએ ક્યારેય દખલગીરી ન કરવી જોઈએ. પ્રકૃતિએ મનુષ્યની તથા અન્ય જીવોની સુરક્ષા માટે જ પૃથ્વીની આસપાસ આ ઓઝોન વાયુનું સ્તર મૂક્યું છે. પરંતુ મનુષ્યની પ્રવૃત્તિઓના કારણે આ રક્ષાસ્તર તૂટી રહ્યું છે. આજના દિવસે આપણે એ સમજવું રહ્યું કે આપણે પ્રકૃતિમાંથી મળેલી આ અમૂલ્ય ભેટનું રક્ષણ કરવું જ રહ્યું. આપણે જેટલું પૃથ્વીના આ રક્ષા સ્તરને સાચવીશું તેટલું જ આપણી ભાવિ પેઢીને ફાયદાકારક રહેશે.