વિશ્વ સંગીત દિન
21st June

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમનું સન્માન કરવાનો છે. આ દિવસને 'મેક મ્યુઝિક ડે' અને ફ્રેન્ચમાં 'ફેટ દ લા મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતને બધા રોગોની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. સારું સંગીત સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે અને શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થવાના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21મી જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

21 જૂન, 1982ના રોજ સૌ પ્રથમ ફ્રાન્સમાં વિશ્વ સંગીત દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને લોકોની સામે ઊજવવાના ફ્રાન્સના મંત્રી મૌરિસ ફ્લુરેટ ના પ્રસ્તાવને 1981ના વર્ષમાં સ્વીકારવામાં આવ્યો હતો. ત્યાર પછી ફ્રાન્સના સંસ્કૃતિ પ્રધાન જેક લેંગે 1982માં વિશ્વ સંગીત દિન ઊજવવાની જાહેરાત કરી વર્ષ 1985માં બીજા દેશોએ પણ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી.

વિશ્વ સંગીત દિનની ઉજવણી માટે દર વર્ષે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ દિવસે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા ગાયકો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવે છે. સંગીતને લગતા મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વખતે વિશ્વ સંગીત દિનની ઉજવણીમાં વિશ્વના 120થી વધુ દેશો ભાગ લે છે. સમગ્ર વિશ્વમાં સંગીતપ્રેમીઓ આ દિવસની ઉજવણી કરે છે. જુદા જુદા દેશોના સંગીતકારો વાદ્યો વગાડી પોતાની કલાનું પ્રદર્શન કરે છે.

-વિશ્વ સંગીત દિન યુવા અને કલાપ્રેમી સંગીતકારોને તેમની પ્રતિભાનું જીવંત પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
-લોકો સંગીતનું મહત્ત્વ જાણે અને સંગીત પ્રત્યે વધુ રુચિ કેળવે તે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.
-વર્તમાન યુવા પેઢી સંગીતનાં વિવિધ વાદ્યો, સંગીતના વિવિધ રાગ, લય-તાલ વિશે જાણે અને તેમાં રસ કેળવે તે પણ આ દિનની ઉજવણીનો આશય છે.

સંગીત મૂળ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ સમુ+ગીત થાય છે. સમ એટલે યોગ્ય રીતે અને ગીત એટલે ગાવું. આમ, સંગીતનો અર્થ થાય છે સારી રીતે કે યોગ્ય રીતે ગાવું. સંગીત કોઈ એકલનો મિત્ર છે. તો કોઈ માટે નવું સર્જન છે. સંગીત કોઈના માટે સાધન તો, કોઈના માટે સાધના છે. સંગીત કોઈના માટે આનંદ તો. કોઈના માટે સમગ્ર જીવન છે.

સંગીત એક એવું માધ્યમ છે કે જે આપણા જીવનમાં આપણી જરૂરિયાત પૂરી કરે છે. સંગીત આપણા શરીરની કેટલીય બીમારીઓની સારવાર પણ કરે છે. નિષ્ણાતોના મતે સંગીત યોગનો જ એક ભાગ છે. સંગીત આપણા શરીરમાં હોર્મોનનું સંતુલન જાળવી રાખે છે. આપણા માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. સંગીતમાં એટલી શક્તિ છે કે તેનાથી ઘણા રોગોમાંથી મુક્ત થવાય છે. જેને 'મ્યુઝિક થેરેપી'ના નામે ઓળખવામાં આવે છે. ડિપ્રેશન અને પ્રસવપીડામાં મ્યુઝિક થેરેપીથી અસરકારક પરિણામ મળે છે. મગજને શાંત રાખવા અને જીવનની વ્યથાઓથી બહાર લાવવાની શક્તિ સંગીત ધરાવે છે. બાળક કે મોટા બધાનાં જીવનમાં સંગીત એક અગત્યની ભૂમિકા ભજવે છે. જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગ દ્વારા એવું સાબિત પણ કર્યું છે કે વનસ્પતિ પર પણ સંગીતની અસર થાય છે. મનુષ્ય જીવનમાં સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ વિશ્વ સંગીત દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.