વિશ્વ હવામાન દિન
23rd March
વિશ્વ હવામાન દિન

વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે ‘વિશ્વ હવામાન દિન' અથવા વિશ્વ હવામાનશાસ્ત્ર દિન (World MeteorologicalDay) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપીને જાગૃતિ ફેલાવવાનો, ધરતી પરના વાતાવરણમાં થતા બદલાવને કારણે હવામાનમાં થતા ફેરફારો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો, લોકોને દૂષિત હવામાનથી વાકેફ કરી તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. વિશ્વ હવામાન દિન સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વનો છે.

હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાનમાં થતા ફેરફારો માટે હવાનું તાપમાન, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોનું પ્રમાણ, વરસાદ, ભેજ વગેરે જવાબદાર હોય છે. વાતાવરણનો તાગ મેળવી અને તેની હકારાત્મક અને નકારાત્મક અસરને જાણવાના હેતુથી 1950 ની સાલમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થા (World meteorological organization)ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્યમથક જિનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. દુનિયાભરમાં લગભગ 191 દેશો વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાના સભ્ય છે. આ સંસ્થા પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આફતો વિશે આગાહી કરે છે, જેથી તેનાથી ભવિષ્યમાં થનારા નુકસાનથી બચી શકાય. વિશ્વ હવામાન દિન વિશ્વ હવામાન સંસ્થાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે ઉજવવામાં આવે છે. પ્રથમ 'વિશ્વ હવામાન દિન' 23 માર્ચ, 1961 ના રોજ યોજાયો હતો.

ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર ટેલિવિઝન, રેડિયો, અખબારો અને  વૅબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના 1875 માં કોલકાતામાં કરવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી 1905 માં પૂણેમાં સ્થાપવામાં આવી હતી જે હવે દિલ્લી ખાતે ખસેડવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની કચેરી દરેક રાજ્યના પાટનગરમાં પણ આવેલી હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યાં છે જેના આધારે હવામાનની આગાહી થાય છે.

આ દિવસે દુનિયાભરમાં હવામાન દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને હવામાનની બાબતો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય છે, જેણે હવામાન અંગેની જાગૃતિ લાવવા ‘ક્લાઇમેટ ચેન્જ' નામનો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે.