વિશ્વ વિરાસત દિન (વિશ્વ ધરોહર દિન)
18th April
1982 માં ICOMOS (INTERNATIONAL COUNCIL ON MONUMENTS AND SITES આંતરરાષ્ટ્રીય પરિષદ સ્મારક અને સ્થળ) દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક સ્થળોમાં સંરક્ષણ વિશેની જાગૃતિ ફેલાવવા માટે 18 એપ્રિલ ને વિશ્વ વિરાસત દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલીવાર આ દિવસની ઉજવણી 1983 માં કરવામાં આવી.
 
યુનેસ્કોએ હેરિટેજ સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યુનેસ્કોની વ્યાખ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું સ્થાન ધરાવતું કુદરતી કે માનવસર્જિત માળખુંએ એક વારસો છે. પ્રવાસ-પર્યટન સમયે શિલ્પ સ્થાપત્યો પર પોતાનાં નામ લખવા, સ્થાપત્યોને નુકસાન પહોંચાડવું વગેરે જેવી પ્રવૃત્તિઓ લોકો કરતાં હોય છે. જેને કારણે અમૂલ્ય વારસારૂપ સ્થાપત્યને નુકસાન થાય છે. દેશના નાગરિક તરીકે ધરોહર સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે.
 
ભારતીય સંસ્કૃતિ તેના ભવ્ય ઐતિહાસિક અને પ્રાકૃતિક વારસા માટે વિશ્વમાં જાણીતી છે. અનાદિકાળથી ભારતે વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે. वसुधैव कुटुुंबकम એ ભારતનો જીવનમંત્ર છે. શિલ્પ, સ્થાપત્ય અને કલાના આ ભવ્ય વારસાનું આપણને ગૌરવ છે. વારસો એ આપણી આગવી ઓળખ છે. આપણી આ ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું એ આપણા સૌની નાગરિક તરીકેની ફરજ છે. વિશ્વ વિરાસત તરીકે અતિ મહત્ત્વની ધરોહરોને યુનેસ્કો પોતાની યાદીમાં સ્થાન આપી તેની જાળવણી અને સુરક્ષા માટેના પ્રયત્નો કરે છે. યુનેસ્કોની આવી સાંસ્કૃતિક વિરાસત કે પ્રાકૃતિક વિરાસતની યાદીમાં ભારત છઠ્ઠું સ્થાન ધરાવે છે. ભારતમાં 40 જેટલાં સ્થળો ને વિશ્વ વિરાસત તરીકેનું સન્માન મળેલ છે. જેમાં મહારાષ્ટ્રમાં આવેલી ઈલોરાની ગુફાઓ, આગ્રાનો તાજમહલ, દિલ્હીનો લાલકિલ્લો, મહાબલીપુરમના રથમંદિરો, સાંચીનો બૌદ્ધ સ્તૂપ, કોણાર્કનું સૂર્યમંદિર વગેરેનો સમાવેશ થાય છે.
 
ભારતના વિવિધ રાજ્યોમાંથી 4 વિશ્વ વિરાસત સાથે ગુજરાત બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતનાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત કરનારા સ્થળો નીચે મુજબ છે.
1. ચાંપાનેરનો કિલ્લો - જિલ્લો પંચમહાલ
2. રાણીની વાવ - જિલ્લો પાટણ
3. અમદાવાદ શહેર - જિલ્લો અમદાવાદ
4. ધોળાવીરા - જિલ્લો કચ્છ