વિશ્વ હૃદય દિન
29th September
વિશ્વ હૃદય દિન
દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હૃદયરોગની સામે ઝઝૂમી રહ્યા છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી બિનસ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, જેના કારણે હૃદયને ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 'વિશ્વ હૃદય દિન' ઉજવવામાં આવે છે.

હૃદયનું કાર્ય બધા અવયવોને ઓક્સિજન પહોંચાડવા માટે આખા શરીરમાં લોહીને પમ્પ કરવાનું છે. તે જ્યારે આ રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે હૃદયની નિષ્ફળતા તરીકે ઓળખાય છે. એવું જોવા મળ્યું છે કે આપણા બિનઆરોગ્યપ્રદ ખાન-પાનના કારણે હૃદયને સૌથી વધુ નુકસાન થાય છે. જેમાં સૌથી મોટો ફાળો આપણી નાદુરસ્ત દિનચર્યાનો પણ છે. ડૉક્ટરોના મતે, દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અસંતુલિત આહારની સાથે સાથે ધૂમ્રપાનના કારણે હૃદય સંબંધિત રોગોમાં વધારો થઇ રહ્યો છે. આજના સમયમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે તેમજ ઘણા લોકો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામે છે. યુવાન લોકોમાં હૃદય સંબંધિત વિકૃતિઓ પણ સામે આવી છે. આવી સ્થિતિમાં, 'વિશ્વ હૃદય દિન' દ્વારા લોકોને હૃદયને સ્વસ્થ રાખવા તેમજ હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે પ્રેરિત અને જાગૃત કરવામાં આવે છે.

વિશ્વમાં હૃદયના દર્દીઓના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 'વિશ્વ હૃદય દિન' ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2000 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રથમ વખત 'વિશ્વ હૃદય દિન' ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવતી હતી. જોકે, 2014 થી દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 'વિશ્વ હૃદય દિન' નો એકમાત્ર હેતુ હૃદય સંબંધિત સમસ્યાઓ ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. દર વર્ષે આ દિવસે ઘણા દેશોમાં કાર્યક્રમો યોજીને લોકોને હૃદયની તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.

હાર્ટ એટેકના લક્ષણો:
(1) ચાલતી વખતે અથવા કામ કરતી વખતે છાતીમાં ભારેપણું મહેસુસ થવા લાગવું.
(2) શ્વાસ ફૂલવા લાગવો.
(3) ઘણીવાર જમ્યા પછી ગળામાં બળતરા થવી.
(4) જમ્યા પછી છાતીમાં ભારે દુ:ખાવો થવો.
(5) ચક્કર આવવા.
(6) ગભરામણ થવી.
(7) વધારે થાક લાગવો.
(8) ખૂબ જ પરસેવો વળવો.

હૃદયને તંદુરસ્ત રાખવા આટલું કરો :
1. વજન વધવા ન દો.
2. ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું.
૩. તણાવ (સ્ટ્રેસ) મુક્ત રહો, કસરત કરો.
4. માદક / નશીલા પદાર્થનું સેવન ન કરો.

આજના ભાગદોડભર્યા જીવનમાં નાની ઉંમરમાં લોકોનાં હાર્ટએટેકથી મૃત્યુ થાય છે. આ સાથે જ હૃદય (હાર્ટ)ને લગતી બીમારીઓ પણ દિવસે ને દિવસે વધતી જાય છે. આ પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. હાર્ટ એટેકની સાથે-સાથે લોકો હાઇકોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનો ઝડપથી શિકાર બની રહ્યા છે. આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. નારિયેળ પાણી અને વિવિધ જ્યુસનું સેવન કરવાથી તેમજ નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.