વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન
07th June

7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે.

-ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.
-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.
-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય.

ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે.

સમાજનો ગરીબ વર્ગ મોટા ભાગે ખાદ્ય અસુરક્ષાથી પીડિત હોય છે. દેશમાં ભૂકંપ, દુષ્કાળ, પૂર, સુનામી કે માવઠાની પરિસ્થિતિમાં ખાદ્ય અસુરક્ષાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવા સંજોગોમાં સમાજના દરેક વર્ગને અસર થાય છે ત્યારે ખાદ્ય સુરક્ષા જરૂરી છે. ભારતમાં ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) કાર્યરત છે. તેની સ્થાપના 2008માં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને આયાતમાં નિયત કરેલા વૈજ્ઞાનિક ધારાધોરણોનું નિયમન કરવાના હેતુથી થઈ. આ સંસ્થા દ્વારા SFSI (સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ)ની રચના કરવામાં આવી.

ખાદ્ય સુરક્ષા માટે નીચે જેવી કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ. જેવી કે...
-જમવામાં પૂરતો સંતુલિત આહાર લેવો જોઈએ. જંક ફૂડ અને વાસી ખોરાક ન ખાવો જોઈએ.
-જમતી વખતે ખોરાકનો બગાડ ન થાય તેનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.
-વિવિધ સામાજિક-ધાર્મિક પ્રસંગો દરમિયાન ખોરાકનો વધુ પડતો બગાડ થતો જોવા મળે છે. પ્રસંગોના આયોજન વખતે આવું ન થાય તે માટે સૌએ જાગૃત બનવું રહ્યું.
-એન.જી.ઓ.ની મદદ થકી આવા પ્રસંગે વધેલો ખોરાક વાસી થાય તે પહેલાં ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચે તેવું આયોજન કરી શકાય.