વિશ્વ મત્સ્યપાલન દિન
21st November
વિશ્વ મત્સ્યપાલન દિન (WFD) દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના તમામ માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની સાથે એકતા દર્શાવવા માટેનો આ દિવસ છે.
 
તેની શરૂઆત વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હી માં 'વર્લ્ડ ફોરમ ઓફ ફિશહાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ' ની બેઠક યોજાઈ હતી, જેમાં 18 દેશોના પ્રતિનિધિઓ સાથે 'વર્લ્ડ ફિશરીઝ ફોરમ'ની રચના કરવામાં આવી હતી. તેમાં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘોષણાનો હેતુ માછીમારી પ્રથાઓ અને નીતિઓ નક્કી કરવી, અતિશય માછીમારી પ્રવૃત્તિઓ, વસવાટના વિનાશ અને દરિયાઈ સંસાધનોનું ટકાઉપણું જેવા અન્ય ગંભીર જોખમો તરફ ધ્યાન દોરવાનો હતો.
 
મત્સ્યઉદ્યોગ એ દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોમાં રહેતાં જળચર જીવો સંબંધિત છે. મત્સ્યોદ્યોગ એ જળચર ઉછેર પ્રક્રિયા, માર્કેટિંગ અને વિતરણના આધારે વિશ્વભરના આશરે 800 મિલિયન થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે. ઘણા લોકો માટે તે તેમની પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો પણ એક ભાગ છે. વૈશ્વિક મત્સ્ય સંસાધનોના ટકાઉપણા માટે ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી એ સૌથી મોટો ખતરો છે.
 
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારતની માછલીની નિકાસ આશરે છેતાલીસ હજાર કરોડ રૂપિયા ની હતી, જે ભારતની કૃષિ નિકાસના લગભગ 18% છે. ભારતે વર્ષ 2024-25 સુધીમાં 22 મિલિયન મેટ્રિક ટન માછલી ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવાનું નક્કી કર્યું છે. સમય સાથે ભારત સરકારે મત્સ્યોદ્યોગ માટેના બજેટમાં ઘણો વધારો કર્યો છે. ભારત વિશ્વમાં જળચર ઉછેર દ્વારા માછલીનું ઉત્પાદન કરતો બીજો અને વિશ્વમાં માછલીની નિકાસ કરતો ચોથો સૌથી મોટો દેશ છે. કારણકે તે વૈશ્વિક માછલી ઉત્પાદનમાં 7.7% ફાળો આપે છે. આ ક્ષેત્ર દેશમાં 2.8 કરોડ થી વધુ લોકોને આજીવિકા પૂરી પાડે છે. માળખાકીય સુવિધાના પડકારો હોવા છતાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકારનાં પગલાંથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વાર્ષિક 10% થી વધુ વૃદ્ધિ દર નોંધાતો રહ્યો છે.
 
મત્સ્યોદ્યોગને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં વાતાવરણીય ફેરફાર અને જળાશયોમાં પ્લાસ્ટિક તથા અન્ય હાનિકારક પદાર્થો જળચર જીવો માટે વિનાશક બન્યા છે.
 
મત્સ્યોદ્યોગના વિકાસ માટે સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે. આર્થિક પ્રવૃત્તિનાં કેન્દ્રો તરીકે પાંચ મુખ્ય માછીમારી બંદરો (કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઘાટ)નો વિકાસ માછીમારી હાર્બર નામની યોજના અંતર્ગત કર્યો છે. તમિલનાડુ માં બહુહેતુક સીવીડ પાર્ક હબ યોજના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કેન્દ્ર છે. જેમાં આશરે 15 લાખ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો વગેરેને પ્રત્યક્ષ રોજગારી મળી રહેશે. જે પરોક્ષ રોજગારની તકોના સ્વરૂપમાં આ સંખ્યા લગભગ ત્રણ ગણી હશે. નજીકનાં વર્ષોમાં માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે. આવી તો ઘણી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. જેના દ્વારા મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન મળી રહે છે. 
 
આપણા ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મત્સ્યોદ્યોગ વિકસ્યો છે.