વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન
03rd December
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન

દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને સમાન ત આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન ઉજવવામાં આવે છે. વ્યક્તિઓના વિકલાંગ માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે.

સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં ન આવે. આ વ્યક્તિઓને દયાની નહીં, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જીવતાં અને કામ કરતાં શીખવે તેવી વિશેષ તાલીમ અને તકની જરૂર છે. દિવ્યાંગ બાળ અધિકાર, 2016 મુજબ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિને મુશ્કેલી ઊભી ન થાય તે માટે અધિકાર આપવામાં આવ્યા છે. આ અધિકાર મુજબ એસ.ટી. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, વિમાન મથક તથા અન્ય સ્થળોએ દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી અવરજવર કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ તેમને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

સ્ટીફન હોકિંગ્સ, હેલન કેલર જેવા મહાનાયકો તેમજ ભારતીય મૂળનાં સુધાચંદ્રન, એચ.રામક્રિશ્ન, અરુણિમા સિંહા જેવી મહાન વ્યક્તિઓને કે જેમને પોતાના અંગોમાં કોઈને કોઈ તકલીફો હોવા છતાં પણ તેઓએ સફળતાનાં શિખરો સર કર્યાં છે. તેમનાં ઉદાહરણો લઈને આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી જોઈએ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ વિકલાંગ વ્યક્તિઓને 'દિવ્યાંગ' તરીકે સંબોધીને ખૂબ સન્માન આપ્યું છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેમને મદદરૂપ થઈ રહી છે. દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ સમાજનો જ એક ભાગ છે માટે તેમને કાયમ સમાન અને સન્માનની દૃષ્ટિએ જ જોવા જોઈએ.