વિશ્વ યુદ્ધ અનાથ દિવસ
06th January

વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) દર વર્ષે 6 જાન્યુઆરીએ ઉજવાય છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ પર અનાથ બાળકો દ્વારા સહન કરવામાં આવતા આઘાત વિશે જાગૃતિ લાવવા હેતુ ઘણા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યુદ્ધ - સંઘર્ષને કારણે તેમના માતાપિતા ગુમાવનારા બાળકોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા હેતુસર 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ યુદ્ધ અનાથ દિવસની શરૂઆત ફ્રેન્ચ સંસ્થા SOS Enfants en Detresses દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સંઘર્ષથી પ્રભાવિત બાળકોને મદદ કરવાનો હતો. આ એક માનવ સામાજિક આપત્તિ છે અને કમનસીબે આ સમસ્યા વધી રહી છે. તેમજ આ દિવસની ઉજવણીનો હેતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારોના અનાથ અને યુવાનોને ઉત્થાન અને સશક્તિકરણ કરવાનો છે. આ દિવસની ઉજવણી કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે યુદ્ધ કેવી રીતે અનાથને અસર કરી શકે છે તે વિશે પોતાને શિક્ષિત કરવું.

યુનિસેફના પ્રાથમિક અંદાજ અનુસાર યુદ્ધ, કુદરતી આફતો, ગરીબી, રોગ, કલંક અને તબીબી કારણોસર દુનિયાભરમાં દરરોજ અંદાજે 5700 બાળકો અનાથ બને છે. વિશ્વમાં સૌથી વધુ અનાથ બાળક વાળા દેશોમાં ભારત, ચીન અને નાઈજીરિયા ટોચ પર છે, જેનું મુખ્ય કારણ તેમની વધુ વસ્તી અને ગરીબી, રોગ અને સંઘર્ષ જેવા પડકારો છે.