ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)
11th September
સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક.

વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હતું. તેમનું બાળપણનું નામ વિનાયક ભાવે હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓ ગંગોદ અને વાઈમાં રહ્યા. આ જંગલ વિસ્તાર છત્રપતિ શિવાજી ની કર્મભૂમિ હતી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ના જીવનપ્રસંગોમાંથી તેમણે પ્રેરણા લઈ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞા પાળી.

વિનોબા અને તેમના મિત્રો પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા. આમ સ્વાધ્યાય કરવાની આદત હોવાથી એમના પર સ્વદેશી ભાષા અને સંસ્કૃતિની ખૂબ અસર થઈ. વિનોબા ભાવે લગભગ પંદર જેટલી ભાષાઓ માતૃભાષાની જેમ જ બોલી શકતા. ગાંધીજીના ભાષણોની દેશના દરેક ખૂણે મોટી અસર થઈ. કાશીની સભામાં વિનોબા પણ હાજર હતા. એમના પર પણ ગાંધીજીના ભાષણની ખૂબ અસર થઈ. આ પ્રસંગ બાદ વિનોબાએ ગાંધીજીને અમદાવાદ ખાતે કોચરબ આશ્રમના સરનામે પત્ર લખ્યો ગાંધીજીએ એમને રૂબરૂ મળવા બોલાવતાં વિનોબા અમદાવાદ આવી ગાંધીજીને મળ્યા. નીતિ નિયમોનું પાલન એમણે શરૂ કર્યું. આમ વિનોબા એટલે સાક્ષાત્ ગાંધી વિચારસરણીનું પાલન કરનાર વ્રતધારી.

વર્ધામાં સત્યાગ્રહ આશ્રમ ખોલવાની વાત નક્કી થઈ. ગાંધીજી ગુજરાત છોડવા માંગતા ન હતા. આખરે બે-ત્રણ સાથીઓ સાથે વિનોબાને વર્ધા આશ્રમમાં મોકલવામાં આવ્યા. વર્ધાનું કામ વિનોબાએ સંભાળી લીધું. નકુલના ઝંડા સત્યાગ્રહમાં વિનોબાજી જોડાયા અને જેલમાં પણ ગયા. જેલવાસ દરમિયાન તેમની મુલાકાત જુદા જુદા નેતાઓ સાથે થઈ. 1930 માં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે વિનોબાજીએ આશ્રમમાં રહીને રેંટિયાનું રચનાત્મક કાર્ય સંભાળ્યું. 1939 માં સરકારે દેશને બીજા વિશ્વયુદ્ધ માં ધકેલ્યો એની સામે વિરોધ જાગ્યો. આ સંદર્ભમાં એમણે પવનારમાં ભાષણ કર્યું તેના માટે તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ.

દક્ષિણમાં 'પાંચમ પલ્લી' નામનું એક ગામ આવેલું હતું. તેની વસતી 3000ની હતી. આમાંથી કેટલાક પાસે તો પોતાની જમીન પણ ન હતી. વિનોબા ત્યાં આવ્યા વિનોબાએ ગામના લોકોને ભેગા કરી વાત મૂકી અને ગામના એક વ્યક્તિએ 100 એકર જમીન લોકોને ભેટ આપી. એ રાતે વિનોબાએ સંકલ્પ કર્યો કે ગામડે ગામડે ફરીને 'ભૂમિદાન' માંગવું જોઈએ. એમણે એ વિચાર અમલમાં મૂક્યો અને વિનોબાજીનું જીવન 'ભૂદાન યજ્ઞ' સાથે જોડાઈ ગયું. ગામડે ગામડે યાત્રા ચાલી ભૂમિદાનની વાત શરૂ થઈ પછી તો એમણે શ્રમદાન, બુદ્ધિદાન, જીવનદાન અને ગ્રામદાનની વાત પણ શરૂ કરી. જેની પાસે જે કંઈ હોય તે લોકસેવાના કામમાં લગાવી સમર્પિત કરવું એ જ જીવનદાન છે એવું તેમણે લોકોને સમજાવ્યું. તેઓ સાચા કર્મયોગી હતા. એમનાં કાર્યોની સુવાસ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગઈ.

25 સપ્ટેમ્બર, 1976 ના રોજ વિનોબાએ જાહેર કર્યું કે હવેથી તેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા રહેશે નહીં. 1980 માં પવનાર આશ્રમમાં વિશ્વ મહિલા પરિષદ યોજાઈ. એ વખતે એમણે નારી સ્વતંત્રતા વિશે પ્રવચનો આપ્યાં. જે પ્રવચનો 'સ્ત્રી શક્તિ' નામના પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા અને કાયદો ઘડવા એમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી. આ પરથી તેમની ગૌરક્ષક તરીકેની પ્રતિભાનાં દર્શન થાય છે.

1982 ની સાલમાં વિનોબાજીને 87 વર્ષ પૂરાં થયાં. આખરે 15 નવેમ્બર, 1982 ના દિવસે સવારે એમણે દેહ છોડયો. 1958 માં વિનોબાજીને મેગ્સેસે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. એમની અહિંસા અને ખાદીની વાતોથી અનેક વિદેશી બુદ્ધિજીવી આકર્ષાયા હતા. એમના મૃત્યુ બાદ 1983 માં ભારત સરકારે 'ભારતરત્ન' એનાયત કરી એમનું બહુમાન કર્યું.