ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)
26th November
ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. તેઓ સામાજિક ઉદ્યોગના દૃષ્ટા હતા. વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફ્લડ' ને કારણે ભારત અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ)ને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી સ્વરોજગારીવાળો મોટો ઉદ્યોગ બન્યો, જેને કારણે પશુપાલકોની રોજગારી, આવક, રોકાણ, પોષણ, શિક્ષણ અને તંદુરસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દેશમાં ‘રાષ્ટ્રીય દૂઘ દિન' (National Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે.
 
ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર, 1921 ના રોજ કોઝિકોડ, કેરળમાં થયો હતો. તેમના પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા હતું. ડૉ. કુરિયને બેચલર ઑફ એન્જીનિયરીંગ (B.E.) તેમજ ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. આ ડિગ્રીઓ બાદ કુરિયને જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. તેઓ સરકારી સ્કોલરશીપ મેળવી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. જ્યાં તેમણે મિશિગન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ એન્જીનિયરીંગ (M.E.)ની ડિગ્રી મેળવી હતી. ડૉ. વર્ગીસ કુરિયને સ્નાતક અને ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 13 મે, 1949 ના રોજ આણંદ સ્થિત દૂધની સહકારી સંશોધન સંસ્થામાં આવ્યા. તે સમયે ખેડા જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખાનગી પોલસન ડેરી સામે ઝઝૂમી રહ્યો હતો. આવા કપરા સંજોગોમાં તેઓ ઇજનેરી નોકરી છોડીને ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાયા અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવી ‘અમૂલ' ડેરીનો જન્મ થયો. AMUL એટલે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલની સફળતાના પાયા પર રાષ્ટ્રીય દૂધ વિકાસ બોર્ડ (NDDB) અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેવી સંસ્થાઓ સ્થપાઇ, જેનું સુકાન પણ ડૉ. કુરિયને સફળતાપૂર્વક સંભાળ્યું હતું.
 
ડૉ. વર્ગીસ કુરિયનને અનેક ઍવોર્ડ મળ્યા હતા. જેમાં સાત જેટલા આંતરરાષ્ટ્રીય એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને વર્લ્ડ ફૂડપ્રાઇઝ, ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ‘મિલ્કમેન ઓફ ઇંડિયા' તરીકે ઓળખાતા ડૉ. વર્ગીસ કુરિયન ટૂંકી માંદગી પછી 90 વર્ષની વયે 9 સપ્ટેમ્બર, 2012 ના રોજ નડિયાદમાં અવસાન પામ્યા હતા. વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હતું.
 
આ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ પણ છે. કુરિયન જેના પ્રણેતા હતા તે શ્વેતક્રાંતિનાં મધુરાં ફળ આપણે ચાખીએ છીએ. આજથી માત્ર પચાસ વર્ષ પહેલાં ખેતીની સાથે માત્ર ખેતી આધારિત પૂરક ઉદ્યોગ તરીકે પશુપાલન થતું હતું. તેના બદલે હાલ પશુપાલન મુખ્ય વ્યવસાય બન્યો છે. વિશેષ તો ખેડૂતોની આર્થિક સ્થિતિને ઊંચે ઉઠાવી તેમનાં જીવનધોરણને ગુણાત્મક બનાવવામાં ડેરી ઉદ્યોગનો મહત્વનો ફાળો છે.