યુનિસેફ દિવસ
11th December
યુનિસેફ દિવસ

યુનિસેફ સ્થાપના દિવસદર વર્ષે 11 ડિસેમ્બરે ઉજવાય છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1946માં આ તારીખે અમેરિકાના ન્યુયોર્ક ખાતે યુનિસેફની સ્થાપના કરી હતી. યુનિસેફ (UNICEF) નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ છે. તેનુ મુખ્ય મથક ન્યૂયોર્ક ખાતે સ્થિત છે. યુનિસેફ એ સંયુક્તરાષ્ટ્ર (UN)ની સંલગ્ન સંસ્થા છે. વર્ષ 1953માં યુનિસેફ સંયુક્ત રાષ્ટ્રનું સ્થાયી સદસ્ય બન્યું હતું. યુનિસેફનું ધ્યેય સુત્ર For Every child છે.

યુનિસેફ બાળકો અને ટીનેજે હિંસા અને શોષણથી બચાવવાની કામગીરી કરે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ અથવા યુનિસેફની સ્થાપનાનો પ્રારંભિક હેતુ બીજા વિશ્વ યુદ્ધમાં નાશ પામેલા રાષ્ટ્રોના બાળકોને ખોરાક અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો હતો. આ ઉપરાંત બાળકોને તેમના મૂળભૂત અધિકારો મળી રહે, કુપોષણ દૂર થાય તેમજ સંસ્થાના હાલના કાર્યક્રમ પ્રમાણે બાળાઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે દિશામાં વિવિધ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ લાવવાનો છે. 1946માં વૈશ્વિક સ્તરે અને ભારતમાં 1948માં સ્થપાયેલી યુનિસેફને એકમાત્ર સંયુક્ત રાષ્ટ્રની એજન્સી જાહેર કરવામાં આવી હતી જે સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય તરફથી યોગદાન મેળવતી નથી. તેથી, યુનિસેફ લોકો તેમજ ખાનગી અને જાહેર ક્ષેત્ર તરફથી નાણાકીય સહાય પર આધાર રાખે છે.

યુનિસેફની દુનિયાભરમાં 33 રાષ્ટ્રીય સમિતિઓ છે, જે બિન-સરકારી જૂથો છે જે ભંડોળ એકત્ર કરવા અને બાળકોના અધિકારોની હિમાયત કરવા માટે કામગીરી કરે છે. યુનિસેફની પ્રાદેશિક કચેરીઓ – પનામા, સ્વિટ્ઝર્લેન્ડ, થાઈલેન્ડ, કેન્યા, જોર્ડન, નેપાળ અને સેનેગલમાં આવેલી છે. યુનિસેફને વિશ્વમાં બાળકોના કલ્યાણ અને વિકાસના હેતુથી વર્ષ 1965માં શાંતિક્ષેત્રનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.