શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી
04th October
વિદેશની ધરતી પરથી ભારતના સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઑક્ટોબર, 1857 ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (માંડવીમાં તેમને ભૂલો ભાનુશાલી કહેતા) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું. 11 વર્ષ ની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. ઘરમાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાથી તેઓ સુધરાઈના દીવાના અજવાળે વાંચતા. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ શેઠ મથુરદાસ લવજી એ મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલ માં પ્રવેશ અપાવ્યો હતો. વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસની સાથે સાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં અભ્યાસ અર્થે જોડાયા. 1874 માં તેઓ દયાનંદ સરસ્વતીના શિષ્ય બની સંસ્કૃત શીખ્યા અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ મહર્ષિ દયાનંદ દ્વારા સ્થાપિત પરોપકારિણી સભા ના સભ્ય પણ હતા. તેઓ મુંબઇથી પ્રકાશિત મહર્ષિ દયાનંદના ‘વૈદભાષ્ય'ના મેનેજર પણ હતા.

1884 માં ઓક્સફર્ડથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી. 1885 માં દેશમાં પરત ફર્યા. આ સમયગાળામાં તેઓએ ક્રમશઃ અજમેર, રતલામ અને જૂનાગઢ ના દીવાન તરીકે કામ કર્યું. તેઓ ઉદયપુરના મહારાજાના કાઉન્સિલ મેમ્બર તરીકે પણ નિમાયા. ઈંગ્લેન્ડમાં સ્વાતંત્ર્ય ચળવળના પ્રયાસોને મજબૂત બનાવવાના હેતુથી 1897 માં તેઓ ઈંગ્લેન્ડ ગયા, શ્યામજી કૃષ્ણ વર્માએ જાન્યુઆરી 1905 થી અંગ્રેજીમાં “ધ ઈન્ડિયન સોસિયોલૉજિસ્ટ' નામનું સામયિક બહાર પાડ્યું. 18 ફેબ્રુઆરી, 1905 માં તેમણે ઈંગ્લેન્ડમાં જ “ઈન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કરી. સંસ્થાની પ્રવૃત્તિઓ માટે ખરીદવામાં આવેલ વિશાળ મકાનને કાર્યાલય બનાવી તેમણે તેને ‘ઈન્ડિયા હાઉસ” નામ આપ્યું. જર્મનીમાં મળેલ વિવિધ દેશોની પરિષદમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા એ તૈયાર કરેલ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેને વિશ્વભરના પ્રતિનિધિઓએ સન્માન આપ્યું હતું.

મૃત્યુ અગાઉ અંતિમ સમયે તેમણે પોતાનાં અસ્થિઓ જિનીવાની એક સંસ્થા પાસે અગાઉથી નાણાં ચૂકવી 100 વર્ષ સુધી સાચવી રાખવાની અને જ્યારે દેશ આઝાદ થાય ત્યારે જ ભારતમાં મોકલવાની વ્યવસ્થા કરેલી. આઝાદી બાદ પેરિસના ડૉ. પૃથ્વીન્દ્ર મુખરજી ની વિનંતીને માન આપી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી એ અસ્થિઓ ભારત લાવવા સંમતિ આપેલી. જેના વર્ષો બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 22 ઓગસ્ટ, 2003 ના રોજ તેમના અસ્થિઓ ભારત લાવ્યા. સમગ્ર ગુજરાતમાં શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓની “વિરાંજલી યાત્રા” યોજીને વતન માંડવી લાવવામાં આવી અને ત્યાં ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની સ્થાપના કરવામાં આવી, જે ઈન્ડિયા હાઉસ જેવું જ બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, પેરિસમાં તેમના નામે સ્કોલરશીપ ચાલે છે. વળી, મુંબઈમાં પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓને તેમના નામે સ્કોલરશીપ મળે છે. ઇંદુલાલ યાજ્ઞિકે તેમના જીવન અંગે એક પુસ્તક પણ લખેલું. તેમના વિશે લખાયેલ અન્ય લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ભુજ અને માંડવીમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે તેમજ ઘણા સ્થળે તેમના નામ પરથી માર્ગોનું નામકરણ પણ થયેલું છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં 4 ઑક્ટોબર, 1989 ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.