સાવિત્રીબાઈ ફૂલે જયંતી
03rd January
દેશના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજસુધારક, કવયિત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારાં સાવિત્રીબાઇ ફૂલે નો 3 જાન્યુઆરી, 1831 માં જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઇ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંદોજી અને માતાનું નામ લક્ષ્મીબાઇ હતું.

માત્ર 9 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયાં. પતિ જ્યોતિરાવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઉપરાંત પૂણેની શાળામાં તાલીમ મેળવી. આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષિકા અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે. તાલીમ પુરી કર્યા બાદ સાવિત્રીબાઈએ પૂણેના મહારવાડામાં ભણાવવાનું શરૂ કર્યું. પતિના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ અને સમુદાયનાં બાળકોના અભ્યાસ માટે 18 જેટલી શાળાઓ શરૂ કરી. ફૂલે દંપતિ અને સગુણાબાઈ (જ્યોતિરાવના સલાહકાર) એ સાથે મળીને ભીડેવાળામાં કન્યાશાળાની સ્થાપના કરી. ઉલ્લેખનીય છે કે તેઓએ વર્ષ 1848 માં મહારાષ્ટ્રના પૂણેમાં દેશની પ્રથમ કન્યા શાળા ની સ્થાપના કરી હતી. ફૂલે દંપતિએ ગર્ભવતી અને બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામનાં સહાયકેન્દ્રો શરૂ કર્યાં.

સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા સ્ત્રીને પોતાના ઘરમાં પ્રસુતિ કરાવી. તેના બાળક યશવંત તને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકારી તેનો ઉછેર કરી અને ડૉકટર બનાવ્યો. સાવિત્રીબાઈ ફૂલેએ પતિ જ્યોતિરાવ ફૂલેનું અવસાન થતાં, તેમનાં અધૂરાં કામો પૂર્ણ કરવાનું પ્રણ લીધું. 1896-97 માં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તક પુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે દવાખાનું શરૂ કર્યું. આ સારવાર દરમ્યાન જ તેમને આ રોગ લાગુ પડ્યો અને 10 મી માર્ચ, 1897 ના રોજ તેમનું અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકાર માટે સંઘર્ષમાં પસાર થયું હતુ.

સાવિત્રીબાઈ ફૂલે કવયિત્રી પણ હતાં. 'કાવ્યફૂલે' અને 'બાવનકશી રત્નાકર' એ તેમના કાવ્યસંગ્રહ છે. તેમને મરાઠીની આદિકવયિત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જન્મેલાં સાવિત્રીબાઈ ફૂલે જેમણે પોતાના પતિ દલિત ઉદ્ધારક, સમાજ સુધારક, જ્યોતિરાવ ફૂલે પાસે ભણીને સામાજિક ચેતના ફેલાવી. તેમણે અંધવિશ્વાસ અને રૂઢિવાદી કુરિવાજો તોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો.