રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)
31st October
31મી ઑક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડાપ્રધાન, ભારતના બિસ્માર્ક જેવા બિરુદો વડે સન્માનિત એવા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિન. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા એટલે ભારતના લોકો વચ્ચે એકતા, સમભાવ અને સર્વસંમતિ. આપણા દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા વિશે જાગૃતિ લાવવા તથા આપણા લોકલાડીલા સરદાર પટેલને યાદ કરવા આ દિવસની ઉજવણી થાય છે.

સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875 માં થયો હતો એવું મનાય છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે તેમના મોસાળમાં થયો હતો. કરમસદ તેમનું વતન હતું. સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં થયું. તેઓએ નડિયાદમાં સરકારી અંગ્રેજી શાળામાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારબાદ વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1893 માં ઝવેરબા સાથે લગ્ન થયા હતા. ડાહ્યાભાઈ અને મણીબેન તેમનાં સંતાનો હતાં. સરદાર વલ્લભભાઈ ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટરનો અભ્યાસ કરવા ગયેલા એ સમય દરમિયાન બ્રિટિશ મ્યુઝિયમમાં એકી બેઠકે તેઓ કલાકો સુધી કાયદાના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. બૅરિસ્ટર બન્યા બાદ અમદાવાદ આવી તેઓએ ફોજદારી વકીલ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટેની આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સ્વતંત્ર ભારતના તેઓ પ્રથમ ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી હતા. આઝાદી મેળવ્યાના શરૂઆતના સમયગાળામાં સમગ્ર ભારત દેશમાં લોકો વચ્ચે એકતા જળવાય તે માટે તેમણે સખત મહેનત કરી હતી. તેમણે દેશના લોકોને એકબીજા સાથે હળીમળીને રહેવા વિનંતી કરી તથા સમગ્ર દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમણે પાંચસોથી વધુ દેશી રજવાડાંઓને એકઠાં કર્યાં અને અખંડ ભારત નું સ્વપ્ન સિદ્ધ કર્યું.

સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ દેશના લોકોમાં સદાકાળ જીવંત રહે તે માટે આપણા રાજ્યમાં આવેલી સૌથી મોટી નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર જેટલી ઊંચી અને ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. જે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નામે ઓળખાય છે. આ પ્રતિમા એકતા અને શાંતિનું પ્રતીક બની રહી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી દ્વારા ભારતના દરેક નાગરિકને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની ફરજની યાદ અપાવવાનો છે. આ ભાવના વધારે દૃઢ કરવા આ દિવસ રાષ્ટ્રીય એકતા દિન તરીકે સ્વીકારાયો છે. ભારત સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ અને લોકશાહી શાસન ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. તેમાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે. આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે, વિવિધ તહેવારો ઉજવાય છે અને લોકો ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અલગ-અલગ જીવન જીવે છે છતાં દેશ માટે તે સૌનો પ્રેમ એકસમાન છે અને તે રાષ્ટ્રીય એકતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.