-
રવિશંકર મહારાજ જયંતી
રવિશંકર મહારાજ જયંતી
25th February
આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા. રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસુધારક હતા. તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884 (વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી) ના રોજ ખેડા જિલ્લાના રહુ ગામમાં થયો હતો. તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું. પિતાને ખેતીમાં મદદ કરવા માટે તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો. તેમનાં લગ્ન સૂરજબા સાથે થયાં હતાં. યુવાન વયે જ તેમણે તેમનાં માતાપિતાને ગુમાવ્યાં હતાં. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભૂદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું, બહારવટિયા, ખૂની, ચોર-ડાકુ અને દારૂડિયાઓને સુધારવાનું કામ કર્યું.
સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને પટ્ટાવાળાથી માંડી આચાર્ય સુધીની જવાબદારી નિભાવી હતી. મકાન અને જમીન વેચીને તમામ સંપત્તિ રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું. પચ્ચીસ વર્ષ માત્ર એક ટંક ખાઈને એમણે લોકોની સેવા કરી. ચાલીસ વર્ષ પગમાં જોડા ન પહેર્યા અને માઈલોના માઇલ ચાલીને લોકોનાં કાર્યો કર્યા. મહારાજ એક સારા તરવૈયા હતા. તેમણે ધસમસતા ઘોડાપૂરમાં ઝંપલાવી લોકોને બચાવ્યા હતા. 1923 માં બોરસદ સત્યાગ્રહ હૈડિયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં અને અમદાવાદમાં કોમી હુલ્લડો સમયે તેમનું રચનાત્મકનું યોગદાન આપ્યું હતું. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજસુધારણાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. 1955થી 1958 ના ત્રણ વર્ષ દરમ્યાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6,000 કિલોમીટર ચાલ્યા હતા. પોતાને માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોનાં દાન મેળવ્યાં હતાં અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી” જેવું ઉપનામ પણ તેમને મળ્યું.
ત્યાગ, તપસ્યા અને દીનદુખિયાની સેવા દ્વારા ‘મહારાજ અને ‘દાદા’ના વહાલસોયા બિરુદી તેઓ ઓળખાયા. 90 વર્ષ સુધી તે ઋષિપુરુષ સેવારત રહ્યા. પગે ફેકચર થવાથી અને આંખોનું તેજ જવાથી શરશય્યા પર સૂઈ રહેવું પડ્યું. પરંતુ તેમણે પ્રસન્નતા ખોઈ નહીં. 1 જુલાઇ, 1984 ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું.
ભારત સરકારે તેમના સન્માનમાં 1984 માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે રૂપિયા 1 લાખનો ‘રવિશંકર મહારાજ પુરસ્કાર" ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે.
રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ “માણસાઈના દીવા' નામનું પુસ્તક લખ્યું છે. જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કર્યું છે. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેણે જીવી જાણું' (1984) નામની નવલકથા લખી છે.