રામકૃષ્ણ પરમહંસ જયંતી
18th February
અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામારપુકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતોમાંના એક છે. તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર હતું.

રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતાપિતાના વિચારોની ઊંડી અસર જોવા મળતી હતી.. તેમનાં માતા પિતા અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવનાં હતાં. માતાપિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા. સાત વર્ષની નાની વયમાં જ તેમના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. એ પછી તેમનું મન અભ્યાસમાં લાગ્યું નહીં તેથી કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના પુરોહિત તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી. તેમનાં લગ્ન શારદામણી સાથે કરવામાં આવ્યાં હતાં. થોડા સમય બાદ એમના મોટાભાઈનું અકાળે અવસાન થયું. આથી અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી કાલીમાતાના મંદિરની પૂજા તેમજ અર્ચના કરવા લાગ્યા હતા અને આમ તેઓ કાલીમાતાના આરાધક બની ગયા.

વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં કાલીમાતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. આધ્યાત્મિક સત્ય અને જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથપ્રદર્શક બન્યા હતા. કાલીમાતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા. તેમણે તમામ ધર્મોને એકસમાન કહ્યા છે. તેમણે ફક્ત પોતાના ધર્મનો જ નહીં પણ અન્ય ધર્મોનો પણ અભ્યાસ કર્યો હતો. તેના ફળસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મોના પાયાના સિદ્ધાંતો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.

સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા, તેથી જ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે. સ્વામી વિવેકાનંદ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પ્રેરણાથી દરિદ્ર નારાયણની સેવામાં લાગી ગયા હતા.

રામકૃષ્ણ પરમહંસ તેમના જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા. તેને કારણે તેમનું શરીર દુર્બળ થતું ચાલ્યું. પછીથી તેમને કૅન્સર થતાં 1886માં 50 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. રામકૃષ્ણ પરમહંસ મહાન યોગી, ઉચ્ચકોટિના સાધક અને વિચારક હતા. સેવા માર્ગને જ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો માનતા હતા. તેમના મનમાં હમેંશાં માનવજાતના કલ્યાણની જ ભાવના રહેલી હતી. એમના અવસાનના વર્ષો પછી પણ તેમણે જગાડેલી માનવતાની મશાલ આજે પણ તેમના અનુનાયીઓ દ્વારા વિશ્વમાં પ્રકાશ આપે છે.