રક્ષાબંધન
09th August
રક્ષાબંધન નો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને 'શ્રાવણી પૂર્ણિમા' પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાના દરિયાખેડૂઓ દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા થાય છે. આથી આ દિવસને 'નાળિયેરી પૂર્ણિમા' પણ કહે છે. આ દિવસે યજ્ઞોપવિત પહેરનાર લોકો પોતાની યજ્ઞોપવિત (જનોઈ) બદલે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના લોકો રાધા અને કૃષ્ણની મૂર્તિઓને પારણામાં રાખીને ઝુલાવતા હોય છે. તેથી તેને ‘ફુલન પૂર્ણિમા' પણ કહે છે. ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં, આ દિવસે ઘઉંનાં બીજ વાવવામાં આવે છે. તેથી આ દિવસને 'ગજરી પૂર્ણિમા' તરીકે ઓળખવામાં આવે છે. કેરળ અને મહારાષ્ટ્ર ના લોકો પણ આ દિવસને 'નરલી પૂર્ણિમા' કહે છે. આ દિવસે તેઓ સમુદ્ર દેવની પૂજા કરે છે. રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે. બળેવ શબ્દ આપણને બલિષ્ઠ (શક્તિશાળી) બનવા પ્રેરણા આપે છે. શક્તિશાળી સમાજ જ ઉન્નતિ કરી શકે છે અને દીર્ઘકાલીન સંસ્કૃતિ આપી શકે છે.

ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ધાર્મિક ગ્રંથોમાં રક્ષાબંધન વિશે અનેક પ્રકારની પૌરાણિક કથાઓ જણાવવામાં આવી છે.

શ્રીકૃષ્ણ રાજા શિશુપાલ સામે સુદર્શન ચક્ર છોડ્યું હતું. તે દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ. દ્રૌપદી એ ભગવાન કૃષ્ણની આંગળી પર તેણે પહેરેલાં વસ્ત્રમાંથી એક ટુકડો ફાડીને બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશાં તેની સાથે રહેશે અને હંમેશાં તેની રક્ષા કરશે.

મહાભારત માં પાંડવોના માતા કુંતી એ તેમના પૌત્ર અભિમન્યુ ની રક્ષા માટે રક્ષા - રાખડી બાંધી હતી.

દેવ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવોના રાખડી વિજય માટે ઇન્દ્રદેવને ઈન્દ્રાણીએ બાંધી હતી.

માતા લક્ષ્મીબલિ રાજા ને રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા.

ચિત્તોડની રાણી કર્ણાવતી એ તેના રાજ્યને ગુજરાતના સુલતાન બહાદુર શાહ ના આક્રમણથી બચાવવા માટે સમ્રાટ હુમાયુ ને રાખડી મોકલી હતી અને હુમાયુએ પણ તે સ્વીકારી રાણીના સન્માનની રક્ષા કરી હતી.

રક્ષાબંધનનાં દિવસે માત્ર ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે એવું નથી. બ્રાહ્મણો પણ પોતાના યજમાનોને રક્ષા બાંધે છે.

રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને સંવેદનાઓનો તહેવાર છે. એક બંધન જે બે લોકોને સ્નેહ ના દોરા સાથે જોડે છે રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન વધે અને તેમનું રક્ષણ થાય એ આ તહેવારનો મુખ્ય હેતુ છે. આપણાં શાસ્ત્રોનું માનીએ તો પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ બહેન સમાન ગણવી. એટલે જ તો કહેવાયું છે ને કે
“જ્યાં સ્ત્રીઓ પુજાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.”

રાખડીમાં રંગબેરંગી કલાકૃતિઓ, રેશમના દોરા અને સોના કે ચાંદી જેવી મોંઘી વસ્તુ હોઈ શકે છે. દેશની રક્ષા, પર્યાવરણની રક્ષા, હિતોની રક્ષા વગેરે માટે પણ રાખડી બાંધવામાં આવી રહી છે.

સંસ્કૃત ભાષા પ્રત્યે દેશમાં આદરભાવ કેળવાય તે માટે 1969 માં ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સંસ્કૃત દિન ની ઉજવણી કરવી. ત્યારથી શ્રાવણ પૂર્ણિમા (રક્ષાબંધન)નાં દિવસે વિશ્વમાં સંસ્કૃત દિનની ઉજવણી પણ કરવામાં આવે છે.