રાજેશ ખન્ના જન્મજયંતિ
29th December

'પુષ્પા એય પુષ્પા, ઈન આંસુઓ કો પોંચ ડાલો, આઈ હેટ ટીયર્સ...'

જેવા વિશિષ્ટ લહેકાવાળા સંવાદો અને બાબુ મોશાય જેવા અમર ચરિત્રો દ્વારા વર્ષો સુધી હિન્દી ચિત્રપટ જગત પર રાજ કરનાર રાજેશ ખન્નાનો જન્મ દિવસ ૨૯ ડિસેમ્બર, ૧૯૪૨ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રાજેશ ખન્નાનું મૂળ નામ જતીન અને તેમનો ઉછેર ચુનીલાલ ખન્નાએ કર્યો હતો. રાજેશ ખન્નાને શાળા - કોલેજ જીવનથી જ થિએટરમાં રસ હતો. જ્યાં જાણીતા અભિનેતા જિતેન્દ્ર પણ તેમના સહપાઠી હતા.

૧૯૫૯-૬૧ દરમિયાન પુનાની નવરોજી વાડિયા કોલેજથી કલાના સ્નાતકની પદવી પણ લીધી હતી. ૧૯૬૨માં 'અંધાયુગ' નાટકમાં ધાયલ સૈનિકની ભૂમિકા પછી ઇનામ વિતરણ પસંગે મુખ્ય મહેમાને ફિલ્મોમાં કામ કરવા સૂચવ્યું અને 'કાકા' નીકળી પડયા સુપરસ્ટાર બનવાની દિશામાં પહેલી ફિલ્મ આખરી ખતથી શરૂઆત કરનાર ખન્નાજીએ પછી તો સચ્યા- જુઠા, ઇત્તેફાક, દો રાસ્તે,ડોલી,સફર, આરાધના,આન મિલો સજના,ટ્રેન,આનંદ, મહેબૂબ કી મહેંદી, ખામોશી, હાથી મેરે સાથી,અમર પ્રેમ,દાગ,બાવરચી, મેરે જીવન સાથી, નમક હરામ, રોટી, આવિષ્કાર જેવી અનેક સફળ ફિલ્મો આપી.

રાજેશ ખન્નાએ ફિલ્મ ક્ષેત્રની કારકિર્દી દરમ્યાન કુલ ૧૮૦ ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં ૧૬૩ પુર્ણ કક્ષાની અને ૧૭ નાની ફિલ્મોમાં કામ કર્યું હતું. આ કારકિર્દી દરમ્યાનની ૧૦૬ ફિલ્મોમાં એમણે મુખ્ય ચરિત્ર અભિનેતાની ભુમિકા ભજવી હતી. ૧૯૬૯ થી ૧૯૭૧ સુધીના ટુંકા ગાળામાં એમના મુખ્ય અભિનેતા તરીકેની ૧૫ ફ઼િલ્મો સુપર હીટ થઈ હતી. બીબીસીએ એમના જીવન ઉપર બોમ્બે સુપરસ્ટાર નામની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. એમણે ત્રણ વખત ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર જીત્યો હતો અને ચૌદ વખત એના માટે નામાંકિત થયા હતા. ૧૯૯૧માં એમને ભારતીય સિનેમામાં ૨૫ વર્ષ પુરાં કરવા બદલ ખાસ ફિલ્મફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હિન્દી ચિત્રપટ જગતના પહેલા સુપરસ્ટારનું ૧૮ જુલાઈ, ૨૦૧૨ ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું.