ડૉ. રાધાવિનોદ પાલ પુણ્યતિથિ
10th January
ડૉ. રાધાવિનોદ પાલ પુણ્યતિથિ

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉત્તમ ધારાશાસ્ત્રી ડૉ. રાધાવિનોદ પાલનો જન્મ ૨૭ જાન્યુઆરી,૧૮૮૬ ના રોજ હાલનાં બાંગ્લાદેશમાં આવેલા સલીમપુર ગામમાં થયો હતો. તેમણે કલકત્તાથી પોતાની જાહેર કારકિર્દીનો આરંભ કર્યો. કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યું અને પછી કોલકાતા યુનિવર્સિટીના ઉપકુલપતિ થવાનું બહુમાન મેળવ્યું. તેમણે ઘણાં આંતરરાષ્ટ્રીય કાનૂની કમિશનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને એક સક્રીયા સભ્ય તરીકેનું બહુમાન મેળવ્યું હતું.

યુનોના આંતરરાષ્ટ્રીય લો કમીશનની અધ્યક્ષ તરીકે તેમની સેવા નોંધપાત્ર હતી. ભારત સરકારે એમને 'પદ્મવિભૂષણ'નો ખિતાબ અર્પણ કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇન્ટરનેશનલ મિલિટરી ટ્રિબ્યુનલે જયારે જાપાનીઝ નેતાઓ સામે કામ ચલાવ્યું ત્યારે એક આદર્શ ન્યાયાધીશની હેસિયતથી એમણે કોઇની શેહશરમમાં તણાયા વગર પોતાનો નીડર અભિપ્રાય વ્યક્ત કર્યો. જાપાનના સમ્રાટે એમને 'First order of the Sacred Treasury' થી બિરદાવ્યા,તો ટોકિયોના ગવર્નરે એમનું 'Freedom of the city' થી બહુમાન કર્યું. હિન્દુ ફિલોસોફી અને 'લો ઇન ધી યેદિક એઇજ' એ બે કૃતિઓ એમની પરિશીલનયુક્ત અધ્યાપન પ્રવૃત્તિનો નીચોડ છે.

ભારત - જાપાનના સંબંધો ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ રહ્યા તે માટે આપણે ડૉ. રાધાવિનોદ પાલના ઋણી છીએ. તેમના જીવનના અંતિમ દિવસોમાં ગરીબીને લીધે તેમણે ઘણાં દુ:ખો સહન કર્યા અને અંતે ૧૦ જાન્યુઆરી,૧૯૬૭ ના રોજ ૮૦ વર્ષની વયે કોલકાતા ખાતે તેમનું નિધન થયું હતું.