હિંદ છોડો આંદોલન દિન
08th August
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર 8 મી ઑગસ્ટ, 1942 ના દિને 'હિંદ છોડો આંદોલન' નો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી તુરંત આઝાદ કરાવવા માટે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક ‘નાગરિક અવજ્ઞા આંદોલન' (Civil Disobedience Movement - સવિનય કાનૂનભંગ) હતું.

8 ઑગસ્ટ, 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો' નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને હિન્દ છોડો નું એલાન આપ્યું. ‘હિન્દ છોડો’ એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને ત્યારથી અંગ્રેજો સમજી ગયા કે હવે લાંબો વખત ભારતને ગુલામ રાખી શકાશે નહીં.

આંદોલનની હવા વાતાવરણમાં હતી જ અને તેથી સરકારે તેને કચડી નાખવા પૂરતી તૈયારી કરી રાખેલી હતી. જેવી મુંબઈની સભા પૂર્ણ થઈ કે તે જ દિવસથી ધરપકડોની શરૂઆત થઈ. તે રાત્રે મોટાભાગના કારોબારી સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની અને બીજાઓની પણ ધરપકડ થઈ. ગાંધીજીને આગાખાન મહેલમાં અને અન્ય નેતાઓને છૂપી રીતે અહમદનગરના કિલ્લામાં લઈ જવાયા.

બીજી એક અગત્યની બાબત એ હતી કે આંદોલન શરૂ થતાં જ મોટા નેતાઓની ધરપકડો થવા લાગી. ટૂંક સમયમાં જ આંદોલન નેતાગીરીવિહીન બન્યું. તેની અસર એ થઈ કે હવે આ લડત લોકોની લડત બની ગઈ. સ્થાનિક કક્ષાએ લોકોએ પોત- પોતાની રીતે લડત ચલાવી.

અગાઉની લડતો કરતાં આ હિંદ છોડો આંદોલન વધુ વ્યાપક હતું અને સ્વરાજ્યની તીવ્ર ઉત્કંઠાથી પ્રજાએ તેમાં ભાગ લીધો. સામે પક્ષે સરકાર પણ વધારે આક્રમક બની અને અગાઉ કરતાં વધારે લાઠી અને બંદૂક નો ઉપયોગ કર્યો. વધુ ધરપકડો થઈ અને મોત પણ વધારે થયાં. હજારો મોત અને લાખો ધરપકડ કરવા છતાં અંતે અંગ્રેજો એ જાણી ગયા કે હવે ભારતમાંથી ઉચાળા ભરવાનો સમય થઈ ગયો છે.

આ લડત પછી તરત તો આઝાદી મળી નહીં પણ આઝાદી મળશે અને અંગ્રેજ શાસન સમાપ્ત થશે તેવી સ્થિતિ ચોક્કસ નિર્માણ થઈ ગઈ. આમ, 8 ઑગસ્ટ એ ભારતીય સ્વતંત્ર સંગ્રામનું મહત્વનું સીમાચિહ્ન છે અને તેથી આ આંદોલનમાં પોતાનું તન, મન, ધન ગુમાવી શહીદ થયેલા તમામના આપણે ઋણી છીએ.