પંડિત સુખલાલજી જન્મજયંતી
08th December
પંડિત સુખલાલજી જન્મજયંતી

ગુજરાતી ભાષાના જાણીતાં ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક તથા "પંડિત સુખલાલજી" તરીકે જાણીતા સુખલાલ સંઘજી સંઘવી નો જન્મ ૮ ડિસેમ્બર, ૧૮૮૦ ના રોજ સુરેન્દ્રનગર નજીકના લીબડી ગામમાં થયો હતો. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં કર્યો. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિધાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિધાભવનમાં અને પછી ભો. જે. વિધાભવન, અમદાવાદમાં અધ્યાપન કાર્ય કરાવ્યું. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિધા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ રહ્યાં.

ગાંધીવાદી તત્વજ્ઞાનીને અમદાવાદમાં કોઈકે એમના ઘર વિશે પૂછ્યું તો પંડિતજીએ ઉત્તર આપ્યો, 'હું જ્યાં બેસું ત્યાં મારું ઘર.' તેઓ દાર્શનિક હોવા ઉપરાંત વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. જ્ઞાન,પ્રેમ અને સત્યના ઉપાસક પંડિતજી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી,મરાઠી અને અંગ્રેજીના જ્ઞાતા હતા. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી,૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી એનાયત કરવામાં આવી હતી. એમને 'સર્વદર્શનસમન્વયના સમર્થ પંડિત' તરીકે નવાજવામાં આવતાં.

ચાર તીર્થંકર', 'સમદર્શી આચાર્ય હરિભદ્ર' અને 'મારું જીવનવૃત્ત' (મરણોત્તર) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો 'દર્શન અને ચિંતન'-ભા. ૧-૨ માં સંચિત થયા છે. 'તત્વાર્થસૂત્ર' એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાયગ્રંથ છે. 'અધ્યાત્મવિચારણા', 'ભારતીય તત્વવિધા', 'જૈન ધર્મનો પ્રાણ' વગેરે એમના અન્ય ગ્રંથો છે. જ્ઞાનબિંદુ, યોગદર્શન, પ્રમાણમીમાંસા એ તેમની અન્ય કૃતિઓ છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત 'સન્મતિ તર્ક' - ભા. ૧-૬ નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે.

૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર અને ૧૯૭૪માં ભારત સરકાર તરફથી 'પદ્મભૂષણ'નો ખિતાબ આપવામાં આવ્યાં હતાં. એક સુવર્ણ ચંદ્રક તેમને અર્પણ કરવામાં આવ્યો હતો,તે તેમણે આદિવાસીઓના કલ્યાણ અર્થે ઓગાળી નખાવ્યો. ગાંધી -ટાગોરને અતિ પ્રિય હતા. ગાંધીજીએ એકવાર વાડીલાલ ડગલીને સલાહ આપી, 'છોકરા, એમને છોડતો મા.એ તો આપણી ચાલતી-ફરતી વિધાપીઠ છે.' આવા મહાન પ્રજ્ઞાચક્ષુ સાહિત્યકારનું ૨ માર્ચ, ૧૯૭૮ ના રોજ નિધન થયું હતું.આપણે પણ પ્રજ્ઞાયક્ષુના અજવાળે આપણો વારસો સતત જોતા રહેવું જોઈએ.