પ્રવાસી ભારતીય દિવસ
09th January

કોઈપણ દેશના વિકાસમાં પ્રવાસીઓનું મહત્વનું યોગદાન રહેલું હોય છે. ભારતીય પ્રવાસીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. દેશના વિકાસમાં પ્રવાસીઓના યોગદાનને સન્માનવા માટે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દુનિયાના ખૂણે ખૂણે રહેતા પ્રવાસી ભારતીયો આવે છે. આ કાર્યક્રમના આયોજનમાં પ્રવાસી ભારતીયો સરકારને વિકાસના મોડલ વિશે સૂચન પણ કરતા હોય છે. જયારે સરકાર તરફથી આ પ્રવાસી ભારતીયોને દેશના વિકાસ માટે આર્થિક, ટેકનિકલ સહિત અનેક મુદ્દાઓ પર સહયોગની અપીલ કરવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકામાં પોતાના સફળ આંદોલન બાદ મહાત્મા ગાંધી એક વિજેતા બનીને 9મી જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત ફર્યા હતા. ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં પરત ફર્યા બાદ ગાંધીજી તેમની પત્ની સાથે રેલવેમાં 3જા વર્ગમાં મુસાફરી કરીને સમગ્ર દેશમાં ફર્યા હતા. તેમણે દેશમાં ગરીબી અને બદતર સ્થિતિ જોઈ હતી. આ દરમિયાન તેમણે અંગ્રેજ સરકાર દ્વારા રોલેટ એક્ટનો વિરોધ શરુ કર્યો હતો. આ વિરોધમાં તેમની સાથે આખો દેશ માર્ગો પર ઉતરી આવ્યો હતો. દેશના સફળ પ્રવાસી મોહનદાસ કરમચંદ ગાંધીના આફ્રિકાથી પરત ફરવાની તિથિ 9મી જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પ્રવાસી ભારતીય દિવસ પ્રસંગે ભારત સરકાર તરફથી પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ પણ આપવામાં આવે છે. આ પ્રવાસી ભારતીયોને ભારત સરકાર તરફથી આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ નોન રેસિડેન્ટ ઈન્ડિયન, ભારતીય મૂળના નિવાસી, નોન રેસિડેન્ટ દ્વારા સંચાલિત અને સ્થાપિત સંસ્થાઓને આપવામાં આવે છે. જે અંતર્ગત ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા પ્રવાસી ભારતીયોની પસંદગી કરવામાં આવે છે. સમ્માન માટે વેપાર, કળા, ટેકનોલોજી, વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રોમાં યોગદાન બદલ એવોર્ડ આપવામાં આવે છે.