રાષ્ટ્રીય મતદાતા દિન
25th January

આપણો દેશ એ એક લોકશાહી દેશ છે. એક લોકશાહી દેશનો પાયો ત્યાંના નાગરિકોને મળેલા મતદાનના અધિકાર પર નિર્ભર છે. ભારતીય બંધારણે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને એકસરખા મૂલ્યનો મતાધિકાર આપ્યો છે. લોકો ભારતીય નાગરિક તરીકે મળેલા મતાધિકારનું મહત્વ સમજે અને મતદાન વિશે જાગૃત થાય તે હેતુથી 25મી જાન્યુઆરી ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિન' ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય મતદાતા દિનને 25 જાન્યુઆરી ના દિવસે મનાવવાનું એક ખાસ કારણ છે. ભારતની આઝાદીના ત્રણ વર્ષ બાદ જ્યારે 1950માં 26 જાન્યુઆરી બંધારણ લાગુ કરવામાં આવ્યું તેના એક દિવસ પહેલાં એટલે કે 25 જાન્યુઆરી, 1950 ના દિવસે ભારતીય ચૂંટણીપંચની સ્થાપના થઈ. ભારતીય ચૂંટણીપંચના સ્થાપના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. 25 જાન્યુઆરી, 2011 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાદેવી પાટીલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

કોઈપણ લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકશાહીનાં મૂળિયાં ત્યારે જ મજબૂત બને છે જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક પોતાના મતનું મૂલ્ય સમજીને મતદાન કરે છે. મતદારો પોતાના અમૂલ્ય મતથી કોઈપણ પક્ષને પાંચ વર્ષ માટે સત્તા પર લાવે છે. આમ કરીને મતદારો રાજ્ય અને દેશના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવે છે. ભારતના નાગરિકને 18 વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં મતદાન સંબંધિત ઘટી રહેલા વલણને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ દિવસનો  ઉદ્દેશ નવા મતદારોની મહત્તમ નોંધણી કરવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસે શાળાઓ, કોલેજો, સરકારી સંસ્થાઓ વગેરેમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ મતદાતાઓને શપથ પણ લેવડાવવામાં આવે છે કે તેઓ મતનો ઉપયોગ કરીને દેશના વિકાસ માટે લાયક પ્રતિનિધિની પસંદગી કરે. ભારતમાં મતદાર એ લોકશાહીનો અનન્ય ભાગ છે. એક મતનું મૂલ્ય એટલું બધું છે કે ચૂંટણીપંચ મતદાનના દિવસે એક મતદાર માટે પણ મતદાન મથક ઊભું કરે છે. તેથી દરેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ. મતદાન એ પવિત્ર ફરજ છે. તમે પણ તમારા માતાપિતાને અવશ્ય મતદાન કરાવો.