રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન
11th May
રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન
દર વર્ષે 11 મે ના રોજ, ભારત દેશના વિકાસમાં વૈજ્ઞાનિકો, ઈજનેરો અને ટૅક્નોલોજીસ્ટસની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી) દિન' ઊજવવામાં આવે છે. 1998 માં આજના દિવસે આપણા દેશ દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગની યાદમાં આપણા દેશમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન ઊજવવામાં આવે છે. આઝાદી પછી, ભારતે જે ક્ષેત્રોમાં વિકાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેક્નોલોજી. આ ક્ષેત્રની પ્રગતિ સાથે આવનારા ભવિષ્યમાં સંભવિત મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં ભારતનું સ્થાન અગ્રહરોળમાં છે.
 
રાષ્ટ્રીય ટૅક્નોલોજી દિવસ એ સંરક્ષણ, ટેક્નોલોજી, કૃષિ, આરોગ્યસંભાળ, સંદેશાવ્યવહાર અને અવકાશ સંશોધન જેવાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેક્નોલોજીસ્ટસની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને યાદ કરી અને તેની પ્રશંસા કરવા તેમજ દેશની પ્રગતિમાં તેઓના મૂલ્યવાન યોગદાનને સ્વીકારવાનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન યુવા પેઢીને STEAM (Science, Technology, Engineering, Art and Mathematics) ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટેનો પ્રેરણાસ્રોત બને છે. આ દિનની ઉજવણીથી રાષ્ટ્રમાં સંશોધન અને નવીનતમ ટેક્નોલોજીને પ્રોત્સાહન મળે છે.
  • પોખરણ પરમાણુ પરીક્ષણ
રાજસ્થાનના પોખરણમાં 11 મે, 1998 ના રોજ કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણ દ્વારા ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને સ્વતંત્ર પરમાણુશક્તિ બનાવવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું હતું. આ પરીક્ષણ 'પોખરણ-2' તરીકે ઓળખાય છે. આ પરીક્ષણ માટે વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઈજનેરોની એક સમર્પિત ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમણે રાતદિવસ જોયા વિના કાર્ય કર્યું હતું. આ મિશન ખૂબ જ ગુપ્ત હતું. કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટીકા-ટિપ્પણનો ભોગ બનવા માંગતું ન હતું. 
 
પોખરણમાં, આ પરમાણુ પરીક્ષણો ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં હાથ ધરવામાં આવ્યાં હતાં. સફળ પરીક્ષણ કરવા માટે શ્રેણીબદ્ધ પાંચ પરમાણુ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જેમાં, ભારતના 'મિસાઈલ મેન' તરીકે સુપ્રસિદ્ધ અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ બનેલા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ મુખ્ય માર્ગદર્શક રહ્યા હતા. આ સફળ પરીક્ષણ પૂર્ણ કર્યા પછી, ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ રાષ્ટ્ર જાહેર કર્યું હતું. વૈશ્વિક સ્તરે 'પરમાણુ કલબ'ના પાંચ સભ્ય રાષ્ટ્રો આ પરીક્ષણનો વિરોધ કરતા હોવાથી આ મિશન એક ખાસ કોડ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશનનો કોડ 'ઑપરેશન શક્તિ' હતો. આ ગુપ્ત મિશનની સફળતાને ભારતની વૈજ્ઞાનિક સફળતાની સફરમાં એક મોટું સીમાચિહ્ન માનવામાં આવે છે.

પરીક્ષણ પહેલાંના બે દાયકા અગાઉ, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ ન હતું. પોખરણ પરમાણુ પરીક્ષણની સફળતાએ દેશને વિશ્વસ્તરે અગ્રહરોળમાં મૂકી દીધો. ભવિષ્યમાં તકનિકી અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં વધુ પ્રગતિ સાથે સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના નિર્ધાર સાથે, આપણા દેશમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.