રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
28th February
દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ પોતાની શોધ "રામન પ્રભાવ” (Raman Effect) ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930 માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ દિવસ વિજ્ઞાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે.

આપણા દેશના વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રામન ભારતમાં પ્રકાશના પરાવર્તન વિષય પર સંશોધન કાર્ય કરનાર વ્યક્તિઓમાંના એક હતા. તેમણે 1907 થી 1933 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં 'રામન પ્રભાવ (Raman effect)' તેમની વિશેષ શોધ બની હતી. તેમના વિશેષ પ્રયાસને હંમેશાં માટે ભારતીય લોકોના હ્રદયમાં કાયમી સ્થાન આપવા 1986 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટૅક્નોલોજી કમ્યૂનિકેશન દ્વારા 28 ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવણી કરવાની ભલામણ કરવામાં આવી. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, 1987 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. ભારતની ધરતી પર અનેક મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે અને આ મહાન વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્ન અને શોધોના કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણા રોજબરોજના ઉપયોગમાં લેવાતી કેટલીય ટૅક્નોલોજી કે વસ્તુઓ વિજ્ઞાનને જ આભારી છે. વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ, કમ્પ્યૂટર જેવી વસ્તુઓને વિકસાવી છે. તેમજ ટૅક્નોલોજીની મદદથી આપણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુધી પહોંચવામાં સફળ થયા છીએ. આજે આપણી શાળામાં કાળા પાટિયાના બદલે ડિજિટલ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે જે વિજ્ઞાનને લીધે જ શક્ય બન્યું છે. વિજ્ઞાનની મદદથી કેટલીય જીવનરક્ષક ઔષધોની શોધ થઈ રહી છે જેને લીધે માનવજીવનમાં ઘણાં પરિવર્તન આવી રહ્યાં છે.

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક વલણની કેળવણી અને દેશમાં નવી શોધો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ વિજ્ઞાન દિન ની ઉજવણી પ્રતિ વર્ષ 10 નવેમ્બરે કરવામાં આવે છે. આ ઉજવણીમાં ‘શાંતિ અને વિકાસ માટે વિજ્ઞાન' ની વાત કેન્દ્રમાં છે. વિજ્ઞાનના માધ્યમથી માનવ જીવનને ઉન્ન્ત બનાવવાની દિશામાં આ દિને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ દિનની ઉજવણી વર્ષ 2002 થી શરૂ કરવામાં આવી છે.