રાષ્ટ્રીય સુરક્ષા દિન
04th March
રાષ્ટ્રીય સુરક્ષા દિન
દર વર્ષે 4 માર્ચ ને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોથી બચવા માટે લેવામાં આવતાં સલામતીનાં પગલાં વિશે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો પણ છે.
 
4 માર્ચ ના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાની પહેલ ભારતની 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (National Safety Council) દ્વારા થઈ હતી. 1972 માં આ સંસ્થાએ 4 માર્ચ ને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આ દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર વર્ષે ઔદ્યોગિક અને અન્ય પ્રકારની દુર્ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવાં પગલાંથી અને કાયદા નિયમોની જાણકારી અને અમલથી ઉદ્યોગોમાં ઈજાનું પ્રમાણ 1971 માં 1000 કામદાર દીઠ 76 હતું તે ઉત્તરોત્તર ઘટતું રહ્યું છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ, મુંબઈ અને નેશનલ ફાયર સર્વિસ કૉલેજ, નાગપુર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અંગેની તાલીમ પણ આપવામાં આવે છે.
 
'રાષ્ટ્રીય સુરક્ષા દિન'ની ઉજવણી હવે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ના સ્વરૂપમાં કરવામાં આવે છે, જેનો સમયગાળો દર વર્ષે 4 માર્ચથી 10 માર્ચ હોય છે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી ઔદ્યોગિક સહિત વિવિધ પ્રકારની દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન આયોજિત થતી બધી જ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ લોકોને પોતાની સુરક્ષા પ્રત્યે સભાન કરવાનો છે.
   
‘સુરક્ષા દિન'ની ઉજવણી કેટલીક વિશાળ બાબતોને પણ સ્પર્શે છે. રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી માત્ર સરહદ ઉપર લડતા સૈનિકોની નથી પણ પ્રત્યેક વ્યક્તિ તેમાં સહભાગી બને તે પણ છે. આપણી આસપાસના પર્યાવરણનું સંરક્ષણ કરી સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે. લોકોમાં વિવિધ સંસાધનો વાપરવાની ક્ષમતા વધવાની સાથે દુર્ઘટનાઓ સામે જરૂરી જાગૃતિ કેળવવાની છે. સુરક્ષાના આ વિવિધ આયામો પ્રત્યે લોકોને સભાન બનાવવાની જરૂરિયાત રહે છે. આ દરેક બાબતમાં સફળતા આ દિનની ઉજવણીને સાર્થક કરી શકે.