રાષ્ટ્રીય બાલિકા દિન
24th January

ભારત દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય બાલિકા દિન' ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાલિકા દિનનું મુખ્ય ધ્યેય દેશમાં દીકરીઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને મહત્વપૂર્ણ દરજ્જો આપવાનો છે. આજના સમયમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં દીકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. જેમ કે કાનૂ ની અધિકારો, શિક્ષણમાં અસમાનતા, સુરક્ષા, તબીબી સંભાળ, બાળલગ્ન વગેરે. જેથી રાષ્ટ્રીય બાલિકા દિનનો હેતુ ભારતમાં લૈંગિક અસમાનતા અને તેનાં પરિણામો વિશે જાગૃતિ વધારવાનો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસનો હેતુ દેશમાં દીકરીઓ પ્રત્યેની અસમાનતાઓ દૂર કરવા લોકોને જાગૃત કરવાનો છે. આ દિનની ઉજવણીનો હેતુ બાલિકાના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી, કન્યા કેળવણી, આરોગ્ય અને પોષણના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે.

દીકરીઓ દેશનું ભવિષ્ય છે. પરિવારમાં તેની ભૂમિકા જેટલી અગત્યની છે તેટલી જ ભૂમિકા સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પણ છે. જન્મથી જ એક બેટી વિવિધ ભૂમિકા ભજવે છે જેમાં બેટી, બહેન, પત્ની અને મા મુખ્યત્વે ગણાય છે. આજે 21મી સદીમાં પણ આપણા દેશમાં બાળલગ્ન, કૃપોષણ, એસિડ એટેક, ઑનર કિલિંગ, બાળતસ્કરી અને કન્યાના શિક્ષણ જેવા વિવિધ મુદ્દાઓમાં જાગૃતિની તાતી જરૂર છે. આજે પણ સમાજમાં દીકરીઓ વિશે અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં દીકરીઓને સમાજમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લિંગ ભેદભાવ અને કન્યા કેળવણી પ્રત્યે સમાજમાં કેટલેક અંશે જાગૃતિનો અભાવ એ મોટો પડકાર છે.

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને 24 જાન્યુઆરીએ નારી શક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. 24 જાન્યુઆરી, 1966 ના રોજ ઈન્દિરા ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેથી જ 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિન તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિનના અવસર પર સરકાર દીકરીઓ વિશેના સંકુચિત દૃષ્ટિકોણને પડકારવા માટે જાગૃતિ અભિયાન અને અન્ય ઝુંબેશ ચલાવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં બેટી બચાવો, યોગ્ય જાતિ ગુણોત્તર અને બાળકી માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ બનાવવા સહિત અનેક કાર્યક્રમો નો સમાવેશ થાય છે.

ભારત સરકારે દીકરીઓની સ્થિતિ સુધારવા માટે વર્ષોથી ઘણાં પગલાં લીધાં છે. સરકારે આ દિશામાં ઘણાં અભિયાનો અને કાર્યક્રમો શરૂ કર્યા છે. જેવા કે બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, CBSE ઉડાન યોજના, કન્યાઓ માટે મફત શિક્ષણ, ઉચ્ચશિક્ષણ સહાય, મહિલા અનામત. મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે શરૂ કરેલું "બેટી બચાવો, બેટી પઢાઓ." અભિયાન એ દીકરીઓ માટે ખૂબ જ સારું પગલું છે. આના માધ્યમથી દીકરીઓ અને મહિલાઓને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવી છે. ભૂણ હત્યા જેવી સ્ત્રીઓ પ્રત્યેની અનેક અમાનવીય પ્રથાઓ હવે ઓછી થઈ છે. "બેટી બચાવો, બેટી પઢાઓ.” અભિયાનથી લોકોની માનસિકતામાં પરિવર્તન કરવામાં મદદ મળી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, દીકરીઓના શિક્ષણ અંગે ઘણી જાગૃતિ આવી છે. હવે લોકો દીકરાઓની જેમ દીકરીઓને સમાન આદર, અધિકાર અને શિક્ષણ આપી રહ્યાં છે.

ભારતીય બંધારણ સાર્વભૌમત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક આપ્યા છે. જાતીય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક આપવાની તરફેણ કરે છે. ભારતીય બંધારણે મહિલાઓને સમાન હક આપ્યા છે. રાષ્ટ્રીય બાલિકા દિન ઉપરાંત વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે 11 ઑક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી માટેની પહેલ એક બિન-સરકારી સંસ્થાના 'પ્લાન ઇન્ટરનેશનલ' પ્રોજેક્ટ તરીકે લેવામાં આવી હતી. આ સંગઠને "કારણ કે હું એક છોકરી છું” નામનું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા કેનેડાની સરકાર સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કેનેડાની સરકારે 55મી મહાસભા માં આ ઠરાવ રજૂ કર્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ 19 ડિસેમ્બર, 2011 ના રોજ ઠરાવ પસાર કર્યો હતો. જેમાં 11 ઑક્ટોબરના દિવસને આંતરરાષ્ટ્રીય બાલિકા દિન તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિન 11 ઑક્ટોબર, 2012 ના રોજ મનાવવામાં આવ્યો હતો.