રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
07th November

કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.


 કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 7 નવેમ્બર ને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે નક્કી કરવાનું કારણ એ છે કે તે મેડમ ક્યૂરી નો જન્મદિવસ છે, જેમણે રેડિયમ અને પોલોનિયમ ની શોધ દ્વારા કેન્સરની સારવારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે કેન્સરના નિદાન માટે રેડિયો થેરાપીનો વિકાસ થયો હતો. તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધ ને કેન્સર નિયંત્રણના પ્રયાસોની શરૂઆત કરી, જે કેન્સરની સારવાર માટે પ્રારંભિક તપાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતમાં કેન્સરના કેસ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કેન્સર સંબંધિત ચિંતાનું મુખ્ય કારણ એ છે કે નોંધાયેલા કેસના બે તૃતીયાંશ કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે, જે દર્દીના જીવનને નોંધપાત્ર રીતે અસર કરે છે. અંતિમ તબક્કે નિદાન થવાથી દર્દીના ઈલાજ અને જીવિત રહેવાની શક્યતા ઘટી જાય છે તેમજ સારવાર પછી જીવનની ગુણવત્તાને અસર કરે છે. અંતિમ સ્ટેજના કેન્સરની સારવારમાં ઘણો ખર્ચ થાય છે. કેન્સરના મોટાભાગના કેસો માત્ર અંતિમ તબક્કામાં જ નોંધાય છે તેનું મુખ્ય કારણ કેન્સરનાં લક્ષણો  અને સામાન્ય રીતે કેન્સર અંગે લોકોમાં ઓછી જાગૃતિ છે. જો પ્રારંભિક તબક્કામાં લક્ષણોની જરૂરી તપાસ થાય તો ઝડપી સારવાર કરી શકાય છે, પરંતુ આ માટે લોકોને કેન્સરનાં સામાન્ય લક્ષણો અને તેના માટે કેવી રીતે તપાસ કરવી તે વિશેની જાગૃતિ હોવી જરૂરી છે.

કેન્સરનું મુખ્ય કારણ તમાકુનો ઉપયોગ છે. તમાકુથી ઓછામાં ઓછા 14 પ્રકાર નાં કેન્સર થવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તમાકુના ઉપયોગથી મોઢાનાં કેન્સર, ફેફસાનાં કેન્સર અને પેટનાં કેન્સર થાય છે. સમગ્ર દેશમાં કેન્સરના કેસનું વિશ્લેષણ કરતી વખતે ચોક્કસ ભૌગોલિક પેટર્ન શોધી શકાય છે. તમાકુ સંબંધિત કેન્સર અને સ્ત્રીઓમાં સર્વાંઇકલ કેન્સરની મોટી સંખ્યા મુખ્યત્વે નીચલા સામાજિક-આર્થિક દરજ્જાના લોકોમાં જોવા મળે છે, જ્યારે કેન્સરના અન્ય પ્રકારો જેમ કે સ્તન કેન્સર અને કોલોરેકટલ કેન્સર, જે સ્થૂળતા, વધુ વજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તે ઉચ્ચ આર્થિક સ્થિતિના લોકોમાં જોવા મળે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં મોટી સંખ્યામાં અન્નનળી અને જરનાં કેન્સર જોવા મળે છે, જે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે તેમની મસાલેદાર ખોરાક ની આદતો આ રોગ થવામાં મુખ્ય પરિબળ હોઈ શકે છે.

કેટલાક વિસ્તારોમાં ખેતીમાં વિશેષ કરીને શાકભાજી, ફળો વગેરેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં રસાયણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ પણ આમાં કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ખાદ્ય પદાર્થોનું પ્લાસ્ટિકમાં પેકિંગ પણ જવાબદાર પરિબળ છે.એક અભ્યાસ મુજબ લગભગ 40 ટકા દર્દીઓને કેન્સર થવાનું કારણ તમાકુનું સેવન છે. તેથી તમાકુ અને તેની વિશેષ ગુટકા જેવી તમામ બનાવટો અને ધૂમ્રપાન બંધ કરવા ખાસ જનજાગૃતિ લાવવી જરૂરી છે અને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 7 નવેમ્બર નો દિવસ કેન્સર જાગૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે.
        
 કેન્સર જાગૃતિ વિશે રસપ્રદ તથ્યો

 કેન્સરના આંકડા અટકાવી શકાય તેવું નિષ્ણાતો માને છે. ભારતમાં કેન્સર માટે જવાબદાર કારણોમાં 40% તમાકુ, બીડી, સિગારેટ, દારુ જેવાં વ્યસનોને કારણે છે, 20% રોગ ચેપ સંબંધિત છે અને બાકીનાં અન્ય પરિબળોને કારણે છે. જે જાગૃતિ દ્વારા રોકી શકાય તેમ છે. ભારતમાં દર 8 મિનિટે સર્વાઇકલ કેન્સરથી એક મહિલાનું મૃત્યુ થાય છે. સ્તન કેન્સરનું નિદાન થયેલી દર 2 મહિલાએ ભારતમાં એક મહિલાનું મૃત્યુ થાય છે. જો કે હાલના સમયમાં સર્વાઈકલ કેન્સર માટેની રસી ઉપલબ્ધ બની છે. જાગૃતિનો અભાવ, નિરક્ષરતા અને ડરના કારણે ભારતમાં લગભગ 50% કેન્સરના કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે.