રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
24th September
રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય સેવા યોજના દિન' દર વર્ષે 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના 24 સપ્ટેમ્બર, 1969 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપનાની વાત આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સમયથી ચાલી રહી હતી, જેને 1969 માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે વર્ષે તત્કાલીન કેન્દ્રીયમંત્રી ડૉક્ટર વી. કે. આર. વી. રાવ દ્વારા 37 યુનિવર્સિટીમાં યોજના દાખલ કરવામાં આવી હતી.
 
આ દિવસે આયોજિત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સમાજના લોકો સાથે મળીને સમાજના હિત માટે કાર્ય કરે છે. જેમ કે સાક્ષરતા સંબંધિત કાર્ય, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, કટોકટી અથવા કુદરતી આફતના પીડિતોને મદદ કરવી વગેરે. NSS હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા સતત વધી રહી છે.

NSS સ્વયંસેવક માટે દર વર્ષે ઓછામાં ઓછા 120 કલાક એટલે કે બે વર્ષમાં 240 કલાક સેવા આપવી ફરજિયાત છે. આ કાર્ય NSS એકમો દ્વારા દત્તક લીધેલાં એકમો (ગામો) અથવા શાળા/કોલેજ કેમ્પસમાં કરવામાં આવે છે. તે સામાન્ય રીતે અભ્યાસના કલાકો પછી અથવા રજાઓ દરમિયાન કરવામાં આવે છે. વધુમાં, દરેક એકમ તેની સાથે સંકળાયેલા સ્થાનિક સમુદાયો માટે કેટલાક ખાસ પ્રોજેક્ટ કરે છે. રજાના દિવસે દત્તક લીધેલાં ગામો અથવા શહેરી ઝૂંપડપટ્ટીઓમાં 7 દિવસની ખાસ શિબિરોનું આયોજન પણ કરે છે. દરેક સ્વયંસેવકે 2 વર્ષના સમયગાળા દરમિયાન એક વખત વિશેષ શિબિરમાં હાજરી આપવી જરૂરી છે. આમ, એક યુનિટમાંથી લગભગ 50% NSS સ્વયંસેવકો શિબિરમાં ખાસ હાજરી આપે છે. NSSની પ્રવૃત્તિનાં મુખ્ય ક્ષેત્રોમાં શિક્ષણ અને સાક્ષરતા, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પોષણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સેવા કાર્યક્રમો, મહિલાઓની સ્થિતિમાં સુધારો, ઉત્પાદનલક્ષી કાર્યક્રમો, આપત્તિ રાહત અને પુનર્વસન કાર્યક્રમો, સામાજિક દૂષણો સામે ઝુંબેશ, ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, યોગ વગેરે જેવા ફ્લેગશિપ પ્રોગ્રામ્સ વિશે જાગૃતિ ઊભી કરવી વગેરેનો સમાવેશ થાય છે.