નાનાભાઈ ભટ્ટ જયંતી
11th November
નાનાભાઈ ભટ્ટ જયંતી

 નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે કોલેજમાંથી રાજીનામુ આપીને ભાવનગર રેલવે સ્ટેશન પાસે એક ધર્મશાળામાં 'દક્ષિણામૂર્તિ' નામની સંસ્થા સ્થાપીને તેના પૂર્ણકાલીન શિક્ષક બન્યા હતા. દક્ષિણામૂર્તિના પૂર્ણકાલીન સેવક બનીને તેમણે સંસ્થાને વટવૃક્ષ બનાવી હતી.


મહાત્મા ગાંધી ના નિમંત્રણથી 1926 ના અરસામાં તેઓ સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠ ના કુલનાયક બન્યા હતા. ગાંધીજીની નઈ તાલીમ આધારિત ગ્રામ્ય સંસ્કૃતિને ચિતાર આપવા નાનાભાઈ ભટ્ટે 1938 માં આંબલા (સોનગઢ પાસે)માં ગ્રામ કેળવણીના નૂતન પ્રયોગ માટે 'ગ્રામ દક્ષિણામૂર્તિ' નામની લોકશાળા સ્થાપી હતી. તેના પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ ઊભી થઈ અને ગ્રામ કેળવણીમાં ક્રાંતિ થઈ. બાદમાં તેમણે ઉચ્ચ શિક્ષણ માટે 1953 માં 'લોકભારતી (સણોસરા)' નામની સંસ્થા સ્થાપી હતી.


આત્મચરિત્રકાર, કથાલેખક, શિક્ષણવિદ, પ્રયોગશીલ કેળવણીકાર એવા નાનાભાઈ ભટ્ટ સાથે ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી, હરભાઈ ત્રિવેદી જેવા કેળવણીકારો દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેઓ 1948 માં સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન બન્યા હતા. 1954 થી1958 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. કેળવણી પ્રદાન માટે ભારત સરકારે તેમને 1960 માં 'પદ્મશ્રી' નો ઇલકાબ આપ્યો હતો.


નાનાભાઈ ભટ્ટે આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો', “લોકરામાયણ”, ‘આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો, 'દૃષ્ટાંત કથાઓ 1 અને 2', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર-1, 2', 'સંસ્થાનું ચરિત્ર', “પથારીમાં પડ્યાં પડ્યાં' વગેરે રચનાઓ આપી છે.


નાનાભાઈ ભટ્ટનું અવસાન 31 ડિસેમ્બર, 1961 ના રોજ સણોસરા, ભાવનગર ખાતે થયું હતું. નાનાભાઈ ભટ્ટના વ્યક્તિત્વના અનેક આયામો હોવા છતાં ગુજરાત તેમને 'પાયાના કેળવણીકાર' તરીકે વધારે ગૌરવ આપે છે.