મોહરમ
07th July
મુસ્લિમ પંચાંગમાં પ્રથમ મહિનો મોહરમ તરીકે ઓળખાય છે. આ માસના પ્રથમ દસ દિવસો મુસ્લિમો માટે શોક અને માતમ ના દિવસો છે. આ મહિના સાથે હજરત ઈમામ હુસૈન ની શહાદત જોડાઈ હોવાથી, એક જમાનામાં શુભ અને પવિત્ર ગણાતો મોહરમનો મહિનો હવે દુઃખદ મનાય છે. અરબસ્તાનમાં ઇસ્લામનો ઉદય થયો એ અગાઉ આ મહિનામાં યુદ્ધ કે લડાઈ દ્વારા રક્તપાત કરવાની મનાઈ હતી. આ કારણથી આ મહિનાનું નામ મોહરમ પડ્યું હોવાની સામાન્ય માન્યતા છે, પરંતુ ઇસ્લામ ધર્મની અત્યંત કરુણ ઘટના - હજરત ઈમામ હુસૈનની શહાદત આ મહિનામાં બની તેથી મહિનાનું નામ 'મોહરમ' પડ્યું.

ઈસ્લામી પરંપરામાં હજરત મહંમદ પયગંબરના દેહાંત બાદ ખલીફાઓએ તેમનું સ્થાન સંભાળ્યું અને ઇસ્લામનો પ્રચાર કર્યો. પરંતુ ખલીફાપદ માટે ત્રીજા ખલીફા હજરત ઈમામ હુસૈન ને શહીદ થવું પડ્યું એ અત્યંત આઘાતજનક ઘટના સાથે આ તહેવારનું મહાત્મ્ય જોડાયેલું છે. અરબસ્તાનના કુરૈશી કુટુંબની બે શાખાઓ હાશિમ અને ઉમૈયા વચ્ચે વંશપરંપરાગત જે વેર હતું તેણે હજરત ઇમામનો જીવ લીધો. ઇરાક દેશના કરબલા (પીવા માટે પાણી પણ ન મળે તેવો રણ વિસ્તાર) શહેરની પાસેના મેદાનમાં હજરત ઈમામ હુસૈનને પોતાની ઈચ્છા વિરુદ્ધ જે યુદ્ધ કરવું પડ્યું તે કોઈ દુશ્મન કે વિધર્મી સામે ન હતું બલ્કે એક જ કુટુંબના ભાઈઓ (યાજીદ) સાથેનું આ યુદ્ધ હતું. જેમાં ધર્મની બલિવેદી પર હજરત ઈમામ શહીદ થઈ ગયા. આ કારણે તેઓ 'શહીદે આઝમ' (શહીદોમાં મહાન) અથવા 'શહિદુશ શુહદા' (શહીદોના રાજા) ગણાય છે.

મહોરમના તહેવારની ઉજવણીમાં નવમા દિવસની રાત્રિ ઘણી મહત્ત્વની ગણાય છે. આ રાત્રિ શહાદતની કે કતલની રાત્રિ તરીકે ઊજવાય છે. કેટલાક મુસ્લિમો આ રાતનો આખો સમય રડવા- કૂટવામાં પસાર કરે છે. પછીના દિવસે (એટલે કે મહોરમ માસના દસમા દિવસે) તાજિયાનું જુલુસ યાને સરઘસ ફેરવવામાં આવે છે. ઢોલત્રાંસા, નગારા વગેરે સાથે શણગારેલા તાજિયાનું જુલુસ ગામમાં કે નગરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવે છે. રસ્તામાં શ્રદ્ધાળુ મુસ્લિમો ધૂપ, ફૂલ અને મલીદાથી તાજિયાની પૂજા કરે છે. તાજિયા આસપાસ મુસ્લિમો ભેગા મળીને માતમ મનાવે છે. આ દિવસે રોજા રાખવામાં આવે છે. તાજિયા એ ઈમામ હુસૈનની કબરનું પ્રતીક છે. મુસ્લિમ કુટુંબો વ્યક્તિગત મન્નત માટે જે તાજિયા બનાવે છે તે કદમાં નાના હોય છે પરંતુ સમૂહમાં તૈયાર કરવામાં આવતા તાજિયા મોટા, કલાત્મક અને ખર્ચાળ હોય છે.

વર્ષો પહેલાં કાકાસાહેબે 'મોહરમ'ના તહેવાર વિશે જે લખ્યું છે તે આજે પણ આ તહેવારની ઉજવણી પાછળનું તાત્પર્ય સાર્થક કરવા પૂરતું છે. તેમના લખ્યા મુજબ: “એશિયાના પશ્ચિમ દેશોમાં અને અરબસ્તાનની પુણ્યભૂમિમાં ધર્મને અર્થે કેવો ભોગ આપવામાં આવ્યો અને પયગંબરની આજ્ઞા અને ઉપદેશને વફાદાર રહેવા ધર્મનિષ્ઠ મુસલમાનોએ શું શું જતું કર્યું, કેટલું સહન કર્યું અને આખી લડતમાં કેટલી બહાદુરીથી ક્ષાત્રધર્મના એક-એક અંગનું પાલન કર્યું તે બધું આપણે સૌએ પણ જાણવા- સમજવા જેવું છે. મોહરમનો આ તહેવાર ઇસ્લામી ભાઈઓ માટે એક શ્રદ્ધાનો દિવસ છે.“

આપણા ઈસ્લામી ભાઈઓ મહોરમમાં એક જૂના કિસ્સામાંથી ધર્મનિષ્ઠા કેળવે છે અને એટલે ભારત વર્ષની ધર્મનિષ્ઠામાં પણ આ નિમિત્તે વધારો થાય છે. ધર્મભૂમિ ભારતમાં દરેક કોમ જે દરજ્જે ધર્મનિષ્ઠા કેળવે તેટલે દરજ્જે આ ધર્મભૂમિની શક્તિ વધવાની.