મેક્સ મૂલર જન્મજયંતી
06th December
મેક્સ મૂલર જન્મજયંતી

ભારતીય તત્વજ્ઞાનના અભ્યાસુ મેક્સ મૂલરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૮૨૩ ના રોજ જર્મનીના દેસો નામના શહેરમાં થયો હતો. તેમના પિતા વિલ્હેમ મૂલર એક જાણીતા કવિ હતા. જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે મેક્સ મૂલર ૪ વર્ષના હતા. ૬ વર્ષની ઉંમરે, મેક્સ મૂલરે જર્મનીની એક ગ્રામર સ્કૂલમાંથી શિક્ષણ શરૂ કર્યું. ૧૮૪૩માં તેમણે ઉચ્ચ શિક્ષણની ડિગ્રી મેળવી. તે પછીથી મેક્સ મૂલરે સંસ્કૃત, ગ્રીક, લેટિન, અરબી અને પર્શિયન જેવી પ્રાચીન ભાષાઓમાં રસ દર્શાવવાનું શરૂ કર્યું.

૧૮૪૬માં મેક્સ મૂલર ઇંગ્લેન્ડ પહોંચ્યા અને સંસ્કૃત પર અનુસંધાનની સાથે સાથે ઋગ્વેદનું ભાષાંતર કરવાનું શરૂ કર્યું. અહીં બુનસેન અને પ્રો.એચ.એચ.વિલ્સને ઋગ્વેદના અનુવાદમાં મેક્સ મૂલરને ખૂબ મદદ કરી. ૧૮૪૮માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઋગ્વેદના છાપકામની શરૂઆત થઈ હતી અને મેક્સ મૂલરે આ સ્થાન પોતાનું ઘર બનાવ્યું હતું. ૧૮૫૦માં મેક્સ મૂલરને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં આધુનિક યુરોપિયન ભાષાના અધ્યાપકની નોકરી મળી. તેવામાં પ્રો.બોખાસ નામના એક વિદ્વાનના ભારતીય સાહિત્ય વિશેના વ્યાખ્યાનો સાંભળવા મળ્યા અને તેમને સંસ્કૃતના વિષયમાં રસ પડયો. વીસ વર્ષની ઉંમરે હિતોપદેશનો અનુવાદ પ્રગટ કર્યો. લગભગ ત્રીસ વર્ષના સમયના દીર્ઘપટ પર તેમનું ઋગ્વેદના સંપાદનનું કાર્ય પથરાયેલું છે.

મેક્સ મૂલરે ભારતને પોતાનું આધ્યાત્મિક વતન માન્યું હતું. ભારતની મુલાકાત લેવાની તેમની તીવ્ર ઝંખના હતી તે કદી પૂરી થઇ શકી નહીં. બ્રિટનમાં તેમને મળવા જતા ભારતીયોને તે ઉમળકાથી આવકારતા. ખૂણે ખાંચરેથી શોધીને પવિત્ર ગ્રંથોને જાળવવાનું જે કામ આપણે કરવું જોઇએ તે તેમણે કર્યું. ધર્મશાસ્ત્ર અને સંસ્કૃત ભાષા શિખવા માટે તેમણે અનેક ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. સંસ્કૃત સાહિત્ય એ કઈ રીતે માનવ જાતિના સાર્વત્રિક હિતનું છે, એ તેમણે 'ઇન્ડિયા વોટ કેન ટીચ અસ' ગ્રંથમાં જણાવ્યું છે. અનેક આઘાતો અને પરિવારના સભ્યના મરણની છાયા વચ્ચે પણ મેકસ મૂલરનું જીવન તો પ્રવૃત્તિમય રહેતું.

થોમસ આલ્વા એડિસને તેમના ગ્રામોફોનની શોધ કરી હતી અને મેક્સ મૂલરને અમુક શબ્દો પસંદ કરવાની જવાબદારી સોંપી હતી. એડિસન ઇચ્છતા હતા કે પ્રથમ વખત ગ્રામોફોનમાંથી જે અવાજ સંભળાય તે કંઇક ખાસ હોય. સાર્વજનિક પ્રદર્શન દરમિયાન પ્રો.મેક્સ મૂલરે ગ્રામોફોન પર ઋગ્વેદનો પહેલો શ્લોક 'અગ્નિ મિલે પુરોહિત ' રેકોર્ડ કર્યો. પ્રો.મેક્સ મૂલરે જ્યારે ગ્રામોફોન પર સંભળાયેલા આ શબ્દોનો અર્થ પૂછ્યો, ત્યારે કોઈની પાસે જવાબ નહોતો. મેક્સ મૂલરે તે સમયે કહ્યું હતું કે, ઋગ્વેદ એ મનુષ્ય દ્વારા લખેલું પ્રથમ પુસ્તક છે. ઋગ્વેદનો આ શ્લોક પણ વિશેષ છે, કારણ કે તે કલમ સાથે લખાયેલ પ્રથમ શ્લોક હતો.

મેક્સ મૂલર 'ભારતીય ફિલસૂફી' પર પણ કૃતિઓ રચતા હતા. છેલ્લા દિવસોમાં તેમને બૌદ્ધ દર્શનમાં વધુ રસ પડ્યો. મેક્સ મૂલરનું ૨૮ ઓક્ટોબર, ૧૯૦૦ ના રોજ ઓક્સફર્ડમાં અવસાન થયું પણ સૌથી મોટી વિડંબના ઇતિહાસની એ હતી કે જે દેશ માટે તેનું હૈયું તડપતું હતું તે ભારતની પ્રજાને પણ મરણોત્તર પછીના તરતના સમયમાં તેમનું સ્મરણ ઝાંખું થયું.