મામાસાહેબ ફડકે જન્મજયંતી
02nd December
મામાસાહેબ ફડકે જન્મજયંતી

'અવધૂત' મામાસાહેબ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેનો જન્મ ૨ ડિસેમ્બર,૧૮૮૭ ના રોજ મહારાષ્ટ્રના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. મામાસાહેબને આરંભથી જ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજરાજનો વિરોધ હતો અને લોકમાન્ય ટિળકના જીવનકાર્ય અને વિચારોનું ખેંચાણ હતું. ૧૯૦૬માં ઓગણીસ વરસના યુવાન વિઠ્ઠલ કડકેએ રત્નાગિરિમાં ટિળકની પચાસમી જયંતીની સભામાં ભાષણ આપ્યું અને લોકોની અને પોલીસની નજરમાં આવી ગયા. ભણવામાંથી મન ઊઠી ગયું હતું એટલે પિતાએ ફાઈનલની પરીક્ષા માટે ફોર્મ ભરવાના જે પૈસા આપેલા તે લઈને, પિતાની આજ્ઞા સાથે, દેશસેવાના નિર્ધારથી ઘર છોડ્યું. ફરતાંફરતાં વડોદરાની ગંગનાથ વિદ્યાલયમાં આવ્યા. અહીં આવ્યા તો હતા ભણવા માટે પણ શિક્ષક બનાવી દેવાયા. ઇતિહાસ ભણાવતા, રાષ્ટ્રીય ગીતો ગાતા-ગવડાવતા, ઉગ્ર ભાષણો કરતા અને જહાલવાદીઓના સંપર્કમાં રહેલા મામાસાહેબ પર અંગ્રેજ પોલીસની કરડી નજર હતી. એટલે ગંગનાથ વિદ્યાલય પર રાજદ્રોહનો આરોપ લાગ્યો. મામાસાહેબને વિદ્યાલય છોડવું પડયું અને પછી વિદ્યાલય પણ બંધ કરાવ્યું. 

વડોદરાના પ્રગતિશીલ રાજવી સયાજીરાવ ગાયકવાડે દલિતો માટે જુદી શાળાઓ તો શરૂ કરેલી પણ કહેવાતા ઉચ્ચ વર્ણના શિક્ષકો ભણાવવા મળતા નહોતા. એટલે મામાસાહેબે થોડો સમય વડોદરા રાજ્યની અંત્યજ શાળાના શિક્ષક તરીકે કામ કર્યું. રાજદ્રોહીની છાપને લીધે તે કામ પણ ગુમાવ્યું અને ગુરુની શોધમાં ગિરનાર પર સાડા ત્રણ વર્ષ સાધનામાં પસાર કર્યા. ત્યાંથી કોચરબ આશ્રમમાં જઈ પહોંચ્યા. હરિજન સેવા દ્વારા અસ્પૃશ્યતા નિવારણના કાર્યને જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર મામાસાહેબ ગાંધીજીના યુગમાં સર્વપ્રથમ 'અંત્યજ સેવક ' હતા. ગાંધીજીની અનુમતિ મેળવીને, બાળકોના સર્વાંગી વિકાસ માટે ગોધરામાં આશ્રમ શરૂ કર્યો. તેઓ સ્પષ્ટ વકતા અને તીખા ભાષણો કરનારા તરીકે જાણીતા હતા. તેઓ કહેતા કે, 'સંસ્થાઓથી કે પ્રચારકોથી અસ્પૃશ્યતા નિવારણ થઇ શકે નહીં, હરીજનોને ત્યાં કુટુંબીજનની પેઠે રહેવું જોઇએ.

સત્યાગ્રહ દરમિયાન તેમને સખત કેદની સજા થઇ. અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશન વખતે સફાઈનું કામ કરવા માટે ટોપલો અને ઝાડુની છાપવાળો રજતચંદ્ર તેમને મળેલો, જે અત્યારે અમદાવાદના ગાંધી સંગ્રહાલયમાં છે. સ્વરાજય આવ્યા પછી પણ અંત્યજોની હકો માટે કામ કરતા રહ્યા. તેમની આત્મકથાની પ્રસ્તાવનામાં કાકાસાહેબે લખ્યું છે કે, ' હિન્દુ ધર્મની અને સ્વરાજ્યની ઉત્કટ સેવા કરી ગુજરાતમાં જ નહીં, પણ આખા ભારતમાં જેમણે પૂજ્ય સ્થાન મેળવ્યું છે એવા લોકોમાં મામાસાહેબનું સ્થાન ઘણું ઊંચું છે. ' ૮૭વર્ષની વયે ૨૯ જુલાઈ, ૧૯૭૪ ના રોજ તેમનું દેહાવસાન થયું. કોરોનાના કપરા કાળમાં પણ દલિતો પરના અત્યાચારો અને આભડછેટ એના વરવારૂપે દેખા દે છે,ત્યારે ગાંધીના આદર્શોને માથે ચઢાવી જીવનભર દલિતોદ્ધારનો ભેખ લેનાર મામાસાહેબ ફડકેના જીવનકાર્યનું મૂલ્ય સમજાય છે.