મકરસંક્રાંતિ
14th January

સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી બાર સંક્રાંતિઓ પૈકી આ સંક્રાંતિનું ખગોળીય મહત્વ વિશેષ હોવાથી ભારતમાં અને હવે તો રાષ્ટ્રોની સીમાઓને ઓળંગીને વિદેશોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એ દિવસને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. હજારો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને અયનગતિ સમાન હતી ત્યારથી આને ઉત્તરાયણ ગણવામાં આવે છે. (કાળક્રમે એમાં બદલાવ આવતાં હાલ 22 ડિસેમ્બરના દિવસે ઉત્તરાયણ થાય છે.) ઉત્તરાયણ દિવસથી સૂર્ય પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વધારે સમય પ્રકાશ આપતો હોવાથી ત્યાં દિવસ મોટો થતો જાય છે.

આપણા વૈદિક સાહિત્યમાં પણ સૂર્યની ઉપાસનાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. સૂર્યને અનેક નામોથી સંબોધવામાં આવે છે તેમાં એક નામ પતંગ પણ છે. સૂર્યની ઉપાસનાથી દરિદ્રતા દૂર થાય છે, આરોગ્ય પ્રાપ્ત થાય છે અને અનેક રોગો દૂર થાય છે તેવું માનવમાં આવે છે. વર્તમાન સમયમાં વિજ્ઞાન પણ સવારના સમયમાં સૂર્યનાં કૂમળાં કિરણો નું સેવન વિટામીન ડી ની પૂર્તતા કરે છે એમ સ્વીકારે છે. નવજાત શિશુઓને પણ સવારમાં સૂર્યની સામે રાખવાથી તેને કમળો થવાની સંભાવના ઘટતી હોવાનું પણ નિષ્ણાતો કહે છે. વેદમાં મંત્રદૃષ્ટા તરીકે જાણીતી અપાલા એ પોતાના શરીરે થયેલા કોઢને દૂર કરવા સૂર્યની ઉપાસના કરી હોવાનું નોંધવામાં આવ્યું છે.

મહાભારતના સમયમાં ભીષ્મ પિતામહના મૃત્યુનો પ્રસંગ ખૂબ જાણીતો છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનના તીરોથી ઘાયલ થયેલા ભીષ્મે મકરસંક્રાન્તિ સુધી મૃત્યુને દૂર રાખ્યું હતું અને મકરસંક્રાન્તિ આવ્યા પછી જ દેહત્યાગ કર્યો હતો. આ પ્રસંગના સંદર્ભમાં આ દિવસને ભીષ્મ દેહોત્સર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે પતંગ ઉડાડવાનો પણ મહિમા વણાઈ ગયો છે. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. લોકો ખુલ્લા મેદાનમાં અથવા પોતાના ઘરના ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની મજા લેતા હોય છે. દિવસભર તલસાંકળી, ચીકી, શેરડી વગેરેનો આનંદ માણે છે. અગાઉ રાત્રે પણ કાગળના ફાનસ ઉડાડવામાં આવતાં પરંતુ હવે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવો અને મજા માણવી એ સારી વાત છે. પણ આપણો આનંદ કોઈ માટે આફત બની જાય તે સ્વીકારી ના શકાય. ઉત્તરાયણના દિવસે અને તે પછી વધારાની દોરીઓ ગમે ત્યાં ફેંકવામાં આવે છે તે પક્ષીઓની પાંખો અને પગમાં ભરાઈ જાય અને આખરે એ પક્ષી મરણ પામે તે ઉચિત ગણાય ખરું ? ઘણીવાર રસ્તામાં જતાં માણસના ગળામાં દોરી ફસાઈ જાય અને ગળામાં ઊંડો ઘા થવાથી મૃત્યુ પામ્યાની ઘટનાઓ પણ નોંધાય છે. બીજી બાજુ પતંગ ચગાવવાની કે લૂંટવાની લાહ્યમાં ધાબા ઉપરથી પડવાના કારણે પણ જાનહાનિ થાય છે. કોઈપણ ઉત્સવની ઉજવણી આ રીતે આપત્તિ લાવનારી ન બને તે જોવાની આપણા સૌની ફરજ છે.

મકરસંક્રાંતિ એ ભારતભરમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. તે આપણને દેવત્વ તરફ ગતિ કરવાની પ્રેરણા આપતો રહ્યો છે.