મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
31st March
અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા.
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં ઘણી સારી ઘટનાઓ ઘટી હતી. જેમકે વૃક્ષો પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું અને રાણી ત્રિશલાને સોળ શુભ સ્વપ્નો આવવાં. જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન મનાય છે.
જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇંદ્ર તીર્થંકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઊજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઊજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે.
ત્રીસ વર્ષની વયે મહાવીર સ્વામીએ સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ 'જિન' કહેવાયા અને વર્ધમાન મહાવીર' તરીકે જાણીતા થયા.
મહાવીર સ્વામીએ ભારતના લોકોને આત્માની મુક્તિનો માર્ગ બતાવ્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર વિહાર કરતા. મહાવીર સ્વામી સંસારને ભય અને દુઃખોથી ભરેલો માનતા તેમના ઉપદેશને 'ત્રિરત્ન સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે. જે અનુક્રમે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચરિત્ર છે. મહાવીર સ્વામીએ પાંચ અમૂલ્ય મહાવતો આપ્યા છે. અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય.
કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે.
72 વર્ષ અને સાડા ચાર માસની ઉંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં દિવાળીના દિવસે (જૈન વર્ષનો અંતિમ દિવસ) નિર્વાણ પામ્યા. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈન સમુદાય ઉત્સવ મનાવે છે.
મહાવીર જયંતીના દિવસે જૈન દેરાસરોમાં ભવ્ય આંગી થાય છે. ભગવાનનો અભિષેક, પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યાર બાદ જૈનબંધુઓ શોભાયાત્રામાં જોડાય છે. જૈન સાધુસાધ્વીનાં પ્રવચનોનું આયોજન થાય છે. જૈનમંદિરમાં મહાવીર સ્વામીના જીવન અને કવન પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. જૈનબંધુઓ ધર્મકાર્યમાં જોડાઈ મહાવીર જયંતીની ઉજવણી કરે છે.