મહાત્મા ગાંધી નિર્વાણ દિન
30th January

ગાંધીજી મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો. આખરે તેમણે તેમાં સફળતા મેળવીને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે.

તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. અહિંસક સવિનય કાનૂનભંગ નો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણા પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો.

આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે, “ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા."

જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. 1948ની 30 જાન્યુઆરી નથુરામ ગોડસે એ ગાંધીજીની ગોળી મારી હત્યા કરી. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો.

મહાત્મા ગાંધીના નિર્વાણના આ દિવસને 'શહીદ દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. શહીદ દિન પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણપ્રધાન, ભારતના રક્ષાપ્રમુખ અને ત્રણેય સેનાના વડાઓ રાજઘાટ સ્મારક પર એકઠા થાય છે અને બહુરંગી ફૂલોથી પુષ્પાંજલિ અર્પણ કરે છે. આંતર-સેવાદળની ટુકડી આદરના ચિહ્ન તરીકે શસ્ત્રોને ઉલટાવે છે. સવારે ૧૧ કલાકે સમગ્ર દેશમાં ભારતીય શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. સહભાગીઓ સર્વધર્મની પ્રાર્થના કરે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રીય સ્તરે તેને 'સર્વોદય દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે.

દિલ્લીમાં આવેલું રાજઘાટ મહાત્મા ગાંધીજીને સમર્પિત સ્મારક છે. ગાંધીજીની હત્યાના એક દિવસ પછી 31 જાન્યુઆરી, 1948 ના દિવસે જે સ્થળે મહાત્મા ગાંધીજીના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે સ્થળ એટલે રાજઘાટ.