એમ. એસ. સુબ્બુલક્ષ્મી પુણ્યતિથિ
11th December

ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈના શિખરો પર પહોંચાડનાર એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મદ્રાસ પ્રાંતના મદુરાઈ ખાતે ષમુખવડીર અમ્માલ અને સુબ્રમણ્યમ ઐયરને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ મદુરાઇ ષન્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી છે. તેમણે ખૂબ જ નાની ઉંમરથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી તથા સેમ્મગુડી શ્રીનિવાસ ઐયરના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસના માર્ગદર્શન હેઠળ હિંદુસ્તાની સંગીતમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કર્યું. તેમની માતા દેવદાસી સમુદાય દ્વારા સંગીત પ્રતિપાદક અને નિયમિત મંચ કલાકાર હતા. સુબ્બુલક્ષ્મીએ બાળપણથી જ તેમના માતા પાસેથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસ પાસેથી હિંદુસ્તાની સંગીતમાં પણ પ્રશિક્ષણ મેળવ્યું. તેઓ માત્ર દસ વર્ષના હતા ત્યારે તેમનું પહેલું રેકોર્ડિંગ બહાર પડયું.

૧૯૨૯માં મદ્રાસ સંગીત અકાદમી ખાતે ૧૩ વર્ષની ઉંમરે સંગીત કાર્યક્રમ આપ્યો. જેમાં તેમણે હિન્દુ ભજન રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ બાદ તેઓ અગ્રણી કર્ણાટકી ગાયિકા બની ગયા. ૧૯૩૬માં સુબ્બુલક્ષ્મી મદ્રાસ આવી ગયા. અહીં ૧૯૩૮માં તેમણે સેવાસદન નામની ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી. તેમના પતિના રાષ્ટ્રવાદી તામિલ સામયિક કલ્કિના પ્રકાશન ભંડોળ માટે તેમણે સાવિત્રી નામની ફિલ્મમાં નારદનું પુરુષ પાત્ર પણ ભજવ્યું હતું. ૧૯૪૫માં રજુ થયેલી ફિલ્મ મીરાં તેમની સૌથી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે ભક્તિ કવયિત્રી મીરાબાઈનું પાત્ર ભજવ્યું હતું. ૧૯૪૭માં આ ફિલ્મ હિંદીમાં ફરીથી બનાવવામાં આવી હતી. તેમણે ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે લંડન, ન્યુયોર્ક, કેનેડા સહિતના ઘણા દેશોમાં સીમાચિહરૂપ સંગીત કાર્યક્રમો રજૂ કર્યા.

૧૯૭૭માં તેમના પતિ કલ્કિ સદાશિવમના અવસાન બાદ તેમણે સંગીતના જાહેર કાર્યક્રમ આપવાનું બંધ કરી દીધું. જવાહરલાલ નહેરુએ તેમને સંગીતની રાણી કહી નવાજ્યા હતા. લતા મંગેશકરે તપસ્વીની,ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુશ્વરલક્ષ્મી તથા કિશોરી અમુનકરે તેમને આઠમા સૂર તરીકે ઓળખાવ્યા હતા. ભજ ગોવિંદમ, 'વિષ્ણુ સહસ્ત્રાનામ, હરિ તુમ હરો અને વેંકટેશ્વર જપ તેમના કેટલાક પ્રસિદ્ધ ભજનો છે.

ભારત સરકાર દ્વારા તેમને ૧૯૫૪માં "પદ્મભૂષણ,૧૯૭૫માં 'પદ્રાવિભૂષણ' અને ૧૯૯૮માં 'ભારત રત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા. ઉપરાંત ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાર્યક્રમ કરનાર પ્રથમ ભારતીય પણ હતા. ૧૧ ડિસેમ્બર,૨૦૦૪ ના રોજ ૮૮ વર્ષની વયે ચેન્નઈ ખાતે તેમનુ નિધન થયું હતું. ૧૮ ડિસેમ્બર,૨૦૦૫ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.