કેશવચંદ્ર સેન જન્મજયંતી
19th November
કેશવચંદ્ર સેન જન્મજયંતી

થોડીક ઉંમરમાં જ ઘણું બધું કરનાર કેશવચંદ્ર સેનનો જન્મ ૧૯ નવેમ્બર,૧૮૩૮ ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ પ્યારેમોહન હતું, જેઓ પ્રસિદ્ધ વૈષ્ણવ તેમજ વિદ્વાન દીવાન રાયમલ સેનના પુત્ર હતા અને બંગાળની એશિયાટિક સોસાયટીના મંત્રી તરીકે નિમણુંક પામેલ પ્રથમ ભારતીય હતા. દીવાન રાયમલ સેન પોતાના પૌત્રને મોટેભાગે દેખરેખમાં જ રાખતા હતા અને સામાજિક કાર્યક્રમો તથા સભા - સોસાયટીઓમાં પોતાની સાથે જ લઈ જતા હતા. એને લીધે કેશવચંદ્ર સેનમાં જલ્દીથી સામાજિક ચેતના જાગી ઉઠી અને ઉંમર સાથે વિચારશક્તિ પણ આત્મનિર્ભર થવા લાગી. આગળ જતા તેમણે સામાજિક કુરિવાજો, ધાર્મિક ભ્રાંતિઓ, અંધશ્રદ્ધા અને ઊંચનીચના ભેદ દૂર કરવા માટે ઘણું પ્રશંશનીય કાર્ય કર્યું.

કેશવચંદ્ર સેન એક ધાર્મિક વૃત્તિવાળા અને આધ્યાત્મિક વિચારધારા ધરાવ સામાજિક કાર્યકર્તા હતા. પરંતુ ધર્મ પર વાદ - વિવાદ કરનારા અને ધર્મને સંકુચિત સીમામાં બાંધનારા પ્રત્યે તેમને ધણી ના પસંદગી હતી. ઓગણીસ વર્ષની ઉંમરે પહોંચતા પહોંચતા કેશવચંદ્ર સેન સમાજ-સેવાનાં કેન્દ્રમાં ઉતરી પડ્યા. રાજનારાયણ બસુએ લખેલાં “બ્રહ્મવાદ શું છે" એ પુસ્તકે તેમના પર પ્રભાવ પાડ્યો. સમાજસેવા કરવાની ઈચ્છાવાળા કેશવચંદ્ર સેનને એક નવી દિશા મળી અને તરત જ બ્રહ્મસમાજના સભ્ય બની ગયાં. નવું લોહી, નવો ઉત્સાહ અને નવીન કાર્યક્ષમતા લઈને આવેલા કેશવચંદ્ર સેને સંસ્થામાં એક નવીન પ્રાણ ફૂંકી દીધો.

કેશવચંદ્ર સેન “બ્રહ્મસમાજ “ ના મુખ્ય કાર્યકર્તા બની ગયા. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીને કેશવચંદ્રએ 'સત્યાર્થ પ્રકાશ' ની રચના હિન્દીમાં કરવા કહ્યું હતું. ઈ.સ.૧૮૭૦માં તેઓ ઈંગ્લેન્ડથી ભારત પરત આવ્યા ત્યારે તેમણે 'ઇન્ડિયન રિફોર્મ એસોસિએશન' નામની સમાજ સુધારક સંસ્થાની સ્થાપના કરી. 'ભારત આશ્રમ' અને 'બ્રહ્મ નિકેતન' નામની સંસ્થાની સ્થાપના કરી. સ્ત્રીઓનાં હિત માટે તેમણે અનેક શાળા અને વિક્ટોરિયા કૉલેજ જેવી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે સમાજસુધાર, શિક્ષણ અને ધર્મ તથા અધ્યાત્મ ક્ષેત્રમાં એટલું બધું કામ કર્યું કે લોકો તેમને યુગો સુધી ભૂલી શકશે નહિં. આ રીતે જીવનભર સમાજની સેવા કરતાં અને આધ્યાત્મિક રાજદૂત તરીકે ઓળખાતા કેશવચંદ્ર સેનનું ૮ જાન્યુઆરી, ૧૮૮૪ ના રોજ માત્ર ૪૬ વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન થયું હતું. ઈ.સ.૧૯૮૦માં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.