કસ્તુરભાઈ લાલભાઈ પુણ્યતિથિ
20th January

અમદાવાદ નગરશેઠ કુટુંબના વંશજ, રાષ્ટ્રવાદી ઉધોગપતિ અને ઘનવીર કસ્તુરભાઈ લાલભાઈનો જન્મ ૧૯ ડિસેમ્બર,૧૮૯૪ ના રોજ અમદાવાદનાં ઝવેરીવાડમાં એક જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ લાલભાઈ દલપતભાઈ અને માતાનું નામ મોહિની હતું. તેમણે પાંચમાં ધોરણ સુધી ત્રણ દરવાજાની નજીક મ્યુનિસિપલ શાળા નંબર ૮ માં અભ્યાસ કર્યો. પછી તેઓ રણછોડલાલ છોટાલાલ સરકારી માધ્યમિક શાળામાં જોડાયા. તેમણે ૧૯૧૧માં મેટ્રિકની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરી. ૧૯૧૨માં જ્યારે તેઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેમનાં પિતાનું મૃત્યુ થયું અને તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમનાં પિતા લાલભાઈને કૌટુંબિક વારસામાં નવી સ્થપાયેલ રાયપુર મિલ મળી હતી. વ્યવસાયની સાથે તેઓને ગુજરાતના જાહેરજીવનમાં પણ ઊંડો રસ હતો.

૧૯૨૩-૧૯૨૬ દરમિયાન દિલ્હીની વડી ધારાસભામાં મીલમાલીકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. વડી ધારાસભામાં તેમની કામગીરીના વખાણ તો ટાઈમ્સ ઓફ ઇન્ડીયા જેવા અખબારે પણ કર્યા હતા. ૧૯૩૬માં અમૃતલાલ હરગોવિનદાસ અને ગણેશ માવલંકરની સાથે તેમણે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (AES)ની સ્થાપના કરી હતી, જે ૨૦૦૯માં અમદાવાદ યુનિવર્સિટી તરીકે ફેરવવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા બાદમાં એમ. જી. સાયન્સ કોલેજ, એલ. એમ. ફાર્મસી કોલેજની શરુઆત કરવામાં આવી હતી. તેમણે અને વિક્રમ સારાભાઈએ અટીરા (અમઘવાદ ટેક્સટાઇ ઇન્ડસ્ટ્રિઝ રીસર્ચ એશોશિએશન)ની સ્થાપના કરી હતી.

૧૯૪૭માં તેમનાં દ્રારા લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ સ્થાપવામાં આવી હતી. ૧૯૬૨માં તેમણે લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ની પણ સ્થાપના કરી હતી. આ સંસ્થા વિવિધ પ્રાચીન હસ્તપ્રતો, દુર્લભ પુસ્તકો અને માઈક્રોફ઼િલ્મો ધરાવે છે. ૧૯૪૯માં તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રિઝ (GCCI)ની સ્થાપના કરી હતી. અમદાવાદમાં આ વિવિધ સંસ્થાઓની સ્થાપના માટે તેમણે વિશ્વના પ્રખ્યાત સ્થપતિઓ લુઇસ કાંન, લી કોર્બુશિઅર, બી. વી. દોશી અને ચાર્લ્સ કોરિયાને કામ સોંપ્યું હતું.

કસ્તુરભાઈએ એક નવાચારી ઉધોગપતિ તરીકે વારસાગત ઉધોગ-ધંધાઓનો વિકાસ તો કર્યો જ સાથે ગુજરાતની મહાજન પરંપરાના પ્રતિનિધિ તરીકે કેળવણીની સંસ્થાઓના વિકાસમાં પણ રસ દાખવ્યો હતો. કારણકે તેઓ જાણતા હતા કે આઝાદ ભારતમાં શિક્ષણનું મહત્વ શું રહેવાનું છે! આઝાદી પછીના ત્રણ દાયકાઓમાં તેમના પરિવારે માત્ર કેળવણીની સંસ્થાઓને દોઢ કરોડ કરતા વધુ રકમનું દાન કર્યું હતું. ધાર્મિક સંસ્થાઓ અને જૈન સંસ્થાઓનેકરેલા દાન તો જુદા,અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત નિર્માણ પામેલી શાળા-કોલેજો ઉપરાંત ગુજરાત યુનિ., અટીરા વગેરેમાં કસ્તુરભાઈ પરિવારની ઉદાર સખાવતો રહેલી છે. ગુજરાત યુનિ.ને તો તેઓ ગુજરાતની આરાધ્ય દેવતા ગણતા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં આટલું માતબર દાન કરવા છતાં કદી તેની વહીવટી બાબતોમાં હસ્તક્ષેપ કરતા નહિ.

૧૯૬૯માં તેમને ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ એનાયત થયું હતું. અમદાવાદની શિક્ષણ સંસ્થાઓના વાલી સમાન શેઠકસ્તુભાઈ લાલભાઈનું ૨૦ જાન્યુઆરી,૧૯૮૦ ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું.