આંતરરાષ્ટ્રીય મહિલા દિન
08th March
શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત થવો એ એક મહત્વની ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ઑરા કૅટકિન નામનાં મહિલાનો હતો. 1910 માં કૉપન હેગન માં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ માં ક્લેરા એ આ વિચાર રજૂ કર્યો હતો. એ કૉન્ફરન્સમાં હાજર રહેલાં 17 દેશોના 100 મહિલા પ્રતિનિધિઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો. ત્યારથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા' દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મહત્વનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.
 
8 માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરવા માટે સૌ પ્રથમ સૂચન વર્ષ 1910 માં ‘ઈન્ટરનેશનલ એશિયા લિસ્ટ વુમન કોન્ફરન્સ' દ્વારા કરવામાં આવ્યું હતું.
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિન સાથે જોડાયેલ કેટલીક અગત્યની ઘટનાઓ આ મુજબ છે.
1911માં 19મી માર્ચે જર્મની, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો.
1914માં 8મી માર્ચે મહિલાઓએ યુરોપમાં રેલી કાઢીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવ્યો હતો.
♦ રશિયામાં મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલી રેલી અને હડતાલનો મુખ્ય મુદ્દો રોટી અને શક્તિ હતો.
ચાર દિવસમાં જ રશિયાના ઝારને સ્થાને સત્તા પર આવેલ કામચલાઉ સરકારે મહિલાઓને વિવિધ અધિકારો આપ્યા. ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે આ દિવસ આઠમી માર્ચ હતો. રશિયામાં વર્ષ 1917 માં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો.
 
* સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છેક 8 માર્ચ, 1975 ના દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન' તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975 ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. પહેલી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મેક્સિકો શહેરમાં બોલાવવામાં આવી હતી, જેમાં છ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. આ પરિષદનો મુખ્ય હેતુ સમાનતા, શાંતિ અને વિકાસનો હતો.
 
* બીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ 1980 માં ડેનમાર્કના કોપન હેગન શહેરમાં યોજાઈ હતી. આ પરિષદમાં આઠ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો.
 
* 1985 માં ત્રીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ કેન્યાના નૈરોબીમાં મળી હતી, જેમાં પંદર હજાર મહિલાએ ભાગ લીધો હતો. આ પરિષદમાં સ્ત્રીઓની વિકાસમાં સમાન તકો ન મળવાની ફરિયાદને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ 2000 સુધીમાં મહિલાઓને વિકાસ માટે સમાન તકો મળે તેવી વ્યૂહરચના ઘડી કાઢવાનું જણાવ્યું હતું.
 
* 10 વર્ષ પછી 1995માં ચીનના બૈજિંગ શહેરમાં ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મળી, જેમાં ૩૦ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનો મુખ્ય મુદ્દો હતો, ‘સ્ત્રીઓની પ્રગતિમાં અવરોધક પરિબળો દૂર કરી પ્રગતિના માર્ગો શોધવા.' બૈજિંગ પરિષદમાં 183 રાષ્ટ્રોની મહિલાઓએ ભાગ લીધો હતો
 
ભારતમાં આ દિવસે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી નારીશક્તિ ઍવોર્ડ એનાયત થાય છે. વર્ષ 1999 થી આ દિવસે પુરસ્કાર આપવાનો પ્રારંભ થયો હતો.
 
આજે મહિલા શિક્ષણની ટકાવારી વધતી જાય છે, છતાં મહિલા દિનની ઉજવણી ત્યારે જ સાર્થક લેખાય કે જ્યારે દીકરીના જન્મને આપણે વધાવીએ, મહિલાઓને સ્ત્રી તરીકેની ગરિમા સન્માન અને ગૌરવ સહજપણે પ્રાપ્ત થાય તો જ મહિલા દિવસનું મહત્વ જળવાય અને સમાજનો ઉત્કર્ષ થાય મહિલાઓને સમાનતા અને શિક્ષણ મળે તો જ દેશનો તંદુરસ્ત વિકાસ થઈ શકે.